માંડલ તળાવ કાંઠે કાચું મકાન ધરાશાયી : મોટી દુર્ઘટના ટળી


- ત્રણ બાળકો અને દંપતિને નાની મોટી ઈજાઓ

- યોજના હેઠળ મકાન માટે સહાય મેળવવા અરજી કરી હોવા છતાં પરિવાર લાભથી વંચિત

માંડલ :  માંડલ ખાતે છેલ્લાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી ત્રણ દિવસની ભારે આગાહી છે. ત્યારે અચાનક માંડલ તળાવની પાળ ઉપર આવેલ ઠીકરીયા વિસ્તારમાં એક કાચું ગારમાટીના મકાનની બે દિવાલ ધરાશાયી થઈ હતી. મોડીરાત્રે બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.

ભારે વરસાદથી સમગ્ર માંડલમાં જનજીવનને અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને તંત્રના પ્રિ-મોન્સુન પ્લાનનો ફિયાસ્કો થઇ રહ્યો છે. માંડલમાં તળાવના કાંઠે આવેલા ઠીકરીયા વિસ્તારમાં એક કાચુ મકાન ધરાશાયી થયું હતું. આ કાચા મકાનમાં રહેતાં ભરત મેરાભાઈ દેવીપૂજકના જણાવ્યા અનુસાર આ ઘટના રાત્રીના ૧ર વાગ્યા આસપાસ બની હતી. તેમને જણાવ્યું હતું કે, આ કાચા મકાનની અંદર હું અને મારી પત્નિ તેમજ ત્રણ બાળકો એમ થઈ કુલ પાંચ લોકો સુતા હતાં અને રાત્રે અમારા કાચાં મકાનની માટી ખરી રહી હતી જેથી અમો સમયસૂચકતાથી બહાર નીકળવા જતાં હતાં ત્યારે અચાનક એક દિવાલ ધરાશાયી થઈ હતી. બનાવમાં મહિલા તથા બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે જાણ થતાં મામલતદાર કચેરીના કેટલાંક કર્મચારીઓ પણ પહોંચ્યા હતાં અને ફોટા પાડી, રીપોર્ટ કરી મામલતદારને આપ્યો હતો. તેમણે  આ બાબતે અસરગ્રસ્ત પરિવારને ખાતરી આપી હતી કે કાંઈ તકલીફ હોય તો મામલતદાર સહિતની ટીમ મદદ કરશે. જોકે આ પરિવારે અગાઉ મકાન સહાય માટેનું ફોર્મ ભર્યું છે પણ તેમને હજુ સુધી કોઈ સહાય મળી નથી અને તેમને તંત્ર પાસે સહાયની માંગ કરી હતી. જોકે આ કાચા માટીના મકાનની બે દિવાલો ધરાશાયી થતાં વધુ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39JmcJ9
via IFTTT

Post a Comment

أحدث أقدم