માંડલમાં પાણીજન્ય રોગચાળો તેમજ વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા


- સરકારી હોસ્પિટલમાં દરરોજની ૧પ૦ થી ર૦૦ ઓપીડી

- ડબલ સીઝનમાં તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં થયેલો વધારો

માંડલ : માંડલ શહેરમાં પાણીજન્ય રોગચાળો તથા વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી દવાખાનાઓમાં દરરોજ ૧૦૦થી વધારે ઓપીડી થઇ રહી હોવાનું જાણવા મળે છે. તાવની સાથે ખાંસી અને શરદીના દર્દીઓથી સરકારી તથા ખાનગી દવાખાના ઉભરાઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

માંડલ સહિત છેલ્લાં ચાર પાંચ દિવસથી ફરી વખત અમદાવાદ જિલ્લામાં વરસાદ થયો છે. હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ થવાનો છે પરંતુ હાલ વાતાવરણ ખુબજ ખરાબ છે. એક દિવસ વરસાદ હોય તો બીજા દિવસે ભરતડકો અને ગરમી હોય, તેવીજ રીતે રાત્રે ઠંડક હોય અને દિવસે બફારો થાય જેના કારણે ડબલ સીઝન જેવો અહેસાસ થાય છે.  ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે.

માંડલમાં તેને કારણે વાયરલ ઈન્ફેક્શન તેમજ પાણીજન્ય રોગચાળાના કેસો નોંધાય છે. માંડલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના તબીબના જણાવ્યા અનુસાર હાલ સરકારી હોસ્પિટલમાં દરરોજના ર૦૦ ઉપર દર્દીઓ આવી રહ્યાં છે અને મોટાભાગના શરદી, ખાંસી, તાવ, મેલેરિયાના કેસો જોવા મળે છે. માંડલમાં અન્ય ત્રણ ચાર ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ છે. માંડલમાં તંત્ર દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા દવાનો છંટકાવ કરવા સહિતની કામગીરી વહેલી તકે હાથ ધરાય તેવી માંગણી થઇ રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ISXWD
via IFTTT

Post a Comment

أحدث أقدم