માધવસિંહના બંગલાના વેચાણના સોદામાં પુત્રીએ વારસાઇ હક્ક માટે નોટિસ આપી


ગાંધીનગરના સેક્ટર-19માં આવેલા

મારી જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે : અલકા પટેલે વકીલ મારફતે જાહેર ચેતવણી પાઠવી 

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે. આ બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલકા પટેલે વારસાઇ હક્ક માગી જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે મારી જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. મારો પણ આ મકાનમાં ભાગ છે અને મને જાણ કરવામાં આવી નથી. આ જાહેર નોટીસ માધવસિંહ સોલંકીની પુત્રી અલકા પટેલે પાઠવી છે. 

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 9મી જાન્યુઆરી 2021માં અવસાન થયું હતું. તેમના અવસાન પછી ગાંધીનગરના સેક્ટર 19માં આવેલા બંગલા માટે વિવાદ ઉભો થયો છે. પુત્રી અલકા પટેલે વકીલ મારફતે અખબારમાં નોટીસ પ્રસિદ્ધ કરાવી ચેતવણી આપી છે કે આ વારસાઇમાં તેનો ભાગ છે. મારી જાણ બહાર કોઇ વ્યક્તિ આ મકાનનો સોદો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

નોટીસમાં તેણીના વકીલે લખ્યું છે કે પોતાનો હક્ક ડૂબાડવાનો પ્રયાસ કરતાં બાકીના ભોગવટદારોએ મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદે છે. આ મકાનમાં ભરતસિંહ સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી અને અલકા પટેલ પણ ભોગવટો ધરાવે છે. અલકા પટેલે નોટીસમાં આરોપ મૂક્યો છે કે મકાનનો સોદો તેની જાણ બહાર કરી નાંખવામાં આવ્યો છે.

અલકા પટેલે એડવોકેટ મારફતે આ નોટીસ આપી છે જેમાં કહ્યું છે કે પોતાની જાણ બહાર લખાણ, કરાર કે વ્યવહાર કરવો નહીં. જો તેમ થશે તો અલકા પટેલ બંધનકર્તા રહેશે નહીં. નોટીસ પરથી લાગે છે કે અલકા પટેલે તેમના ભાઇ ભરતસિંહ સોલંકી પર આરોપ મૂક્યો છે તેની જાણ બહાર હિસ્સો દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

ભરતસિંહની મુશ્કેલીઓ ઓછી થતી નથી

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ ઓછી થતી નથી. પહેલાં પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એક બીજા સામે જાહેર નોટીસ આપી હતી. હવે ભરતસિંહના પિતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સંપત્તિનો વિવાદ સામે આવ્યો છે. તેમના બહેન અલકા પટેલે આવી જાહેર ચેતવણી આપી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t0yK7y
via IFTTT

Post a Comment

Previous Post Next Post