નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતને 7,112 કરોડ રૂપિયા લેવાના બાકી


સૌથી વધુ 4881 કરોડ રૂપિયા ભાજપ શાસિત મધ્યપ્રદેશ રાજ્યના બાકી છે છતાં ગુજરાતને આ રૂપિયા મળતા નથી

ગાંધીનગર : ગુજરાતની નર્મદા યોજના કે જેનો લાભ પાડોશી અન્ય ત્રણ રાજ્યોને મળી રહ્યો છે તેમ છતાં આ રાજ્યો ગુજરાતને યોજનાના બાકી નિકળતા કરોડો રૂપિયા ચૂકવતા નથી. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે સૌથી વધુ 4881.36 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના બાકી છે અને ત્યાં ભાજપનું શાસન છે છતાં શિવરાજસિંહની સરકારે આ બાકી રકમ ચૂકવી નથી.

નર્મદા વિભાગે આજે ગૃહમાં લેખિત માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાગીદાર રાજ્ય મહારાષ્ટ્ર પાસેથી ગુજરાતને 1683.09 કરોડ રૂપિયા લેવાના નિકળે છે જ્યાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. એવી જ રીતે કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકાર પાસેથી રાજ્યને 548.36 કરોડ રૂપિયા લેવાના થાય છે.

આ બાકી રકમની વસૂલાત માટે છેલ્લા બે વર્ષમાં નર્મદા નિગમ કક્ષાએ દર મહિને રાજસ્થાનના સિંચાઇ વિભાગના ઇજનેર, મહારાષ્ટ્રના સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર તેમજ ભોપાલ સ્થિત નર્મદા વેલી ડેવલપમેન્ટ  ઓથોરિટીને લેણી રકમ ચૂકવવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર કન્સ્ટ્રક્શન એડવાઇઝરી કમિટીની બેઠકમાં વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે.

તાજેતરમાં મળેલી એનસીએની 92મી બેઠકમાં પણ ભાગીદાર રાજ્યોની બાકી લેણી રકમ ચૂકવવા રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અગાઉ જ્યારે કેન્દ્ર અને પાડોશી રાજ્યમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે ભાજપે આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી ગુજરાતને કેન્દ્રનો અન્યાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. હવે મધ્યપ્રદેશમાં ભાજપની શિવરાજસિંહની સરકાર છે તેમ છતાં ગુજરાતને તેના હક્કના સૌથી વધુ બાકી 4881 કરોડ રૂપિયા મળી શકતા નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F3Sc9o
via IFTTT

Post a Comment

أحدث أقدم