વિરડીના 3 યુવાનો સાથે જીએસપીસીમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી


- ઠગબાજે બેરોજગારો પાસેથી 36 હજાર ખંખેરી હાથ અધ્ધર કર્યાં

- જીએસપીસીમાં એચઆર મેનેજર હોવાની ખોટી ઓળખ આપી યુવાનોને નોકરીની લાલચ આપતો હતો

સાણંદ : વિરડી ગામના ત્રણ યુવાનોને જીએસપીસીના એચઆર ડિપાર્ટમેન્ટમાં મેનેજરર હોવાની ખોટી ઓળખ આપી યુવાનોને નોકરી અપાવવાના સપનાં દેખાડી નોકરી નહી અપાવી રૂપિયા ૩૬,૫૦૦ ખંખેરી લીધા હોવાની અમદાવાદ ગ્રામ્યના સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ધોળકાના વિરડી ગામે રહેતા જીતેન્દ્રભાઇ પીતાંમ્બરભાઇ મકવાણાના ત્રણ સંતાનો પૈકી મોટો દિકરો ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જેથી તેને સારી નોકરી મળી રહે તે માટે જીતેન્દ્રભાઇ પ્રયત્ન કરતા હતા. તેવામાં પીસાવાડા ગામના અને જીતેન્દ્રભાઇના મિત્ર શબ્બીરભાઇએ કહ્યું હતું કે આપણા મિત્ર અને ગ્રામ સેવક ભરતભાઇ મળ્યા હતા. તેઓએ કહ્યું હતું કે કોઇને જીએસપીસીમાં નોકીર જોઇતી હોય તો દિલિપ રાણા નામનો શખ્સ નોકરીનું ગોઠવી આવે છે. તેમ કહી દિલિપનો મોબાઇલ નંબર આપી દિલિપ સાથે વાત કરી લેજો.તેમ કહ્યું હતું. જેથી જીતેન્દ્રભાઇએ દિલિપનો મોબાઇલ પર સંપર્ક કરતાં દિલિપે નોકરી માટે બાયોડેટા મોકલવાનો કહ્યું હતું.

જીતેન્દ્રભાઇએ તેમના દિકરા અભય અને સંબંધીના દિકરા જતીન તેમજ જય પરમારનો બાયોડેટા દિલિપના વોટસઅપ પર મોકલી આપ્યો હતો. બાદમાં તા. ૦૯-૦૯-૨૧ ના રોજ દિલિપનો જીતેન્દ્રભાઇ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મે બાયોડેટા જોઇ લીધા છે. તેઓને જીએસપીસીમાં નેકરી મળી જશે. હું જીએસપીસીમાં એચઆર મેનેજર છું અને દરેકને નોકરી અપાવવાનું કામ મારી પાસે છે. એટલે એક યુવક દીઠ રૂપિયા ૫૫૦૦ લેખે મને ગુગલ પેથી મોકલી આપો.

ત્રણેયન યુનિફોર્મ અને શુઝ માટે ભરવાના છે. આ રૂપિયા જયારે યુવકોનો પગાર થશે ત્યાર તમને પરત મળી જશે. જીતેન્દ્રભાઇએ ત્રણેય યુવકોના ૧૧,૦૦૦ રૂપિયા દિલિપને મોકલી આપ્યા હતા. બાદમાં દિલિપનો ફોન આવ્યો કે હું અભયને જીએસપીસીમા કાયમી નોકરી અપાવીશ, તમે બીજા રૂપિયા મોકલી આપો. 

એટલે બાકીના રૂપિયા મળી કુલ ૩૬,૫૦૦ રૂપિયા મોકલી આપ્યા હતા. ઘણો સમય વિતવા છતાં દિલિપનો નોકરી માટે કોઇ પ્રત્યુંતર નહી આવતા જીતેન્દ્રભાઇએ કોલ કર્યો હતો.પરંતું દિલિપ કોઇને કોઇ બહાનો બતાવી છટકી જતો હતો.

રૂપિયાની ઉઘરાણી કરતાં દિલિપે જાનથી મારી નાંખવાની ધમકી આપતતાં જીતેન્દ્રભાઇએ સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સહારો લીધો હતો. પરિણામે દિલિપ રાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3obiYXk
via IFTTT

Post a Comment

أحدث أقدم