રિક્ષામાં નીકળેલા પરિવારને કાળ ભરખી ગયો : પિતા અને 2 સંતાનોનું મૃત્યુ


- માંડલ તાલુકાના દાલોદ-કુણપુર હાઇવે પર અકસ્માત

- ઈકો અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્ત : ઇકો ચાલક અકસ્માત બાદ ફરાર

માંડલ : માંડલ તાલુકાના દાલોદ ચોકડીથી વિઠલાપુર જતાં હાઈવે પર કુણપુર નજીક રામાપીરના મંદિર આસપાસ મંગળવારની સાંજે ૭ વાગ્યાના સુમારે એક ઈકો અને રિક્ષા બંને સામસામે આવી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં પિતા અને બે સંતાનોનું મોત થતાં પંથકમાં ગમગીની છવાઇ હતી.

દાલોદ ચોકડીથી વિઠલાપુર જતાં હાઈવે પર કુણપુર હાઇવે પર  ઈકો  અને રિક્ષા બંને વાહનો સામસામે ટકરાયાં હતાં અને રિક્ષા અને ઈકોના આગળના ભાગે નુકસાન થયું હતું. રિક્ષામાં ડ્રાઈવર તરીકે લાલાભાઈ  માવજીભાઈ (ઉ.વ.રપ) તેમજ પાછળના ભાગે ગણપતભાઈ કડવાભાઈ રાવળ (ઉ.વ.૩૬), સાહિલ ગણપતભાઈ રાવળ ઉ.વ.પ,જાનકી ગણપતભાઈ રાવળ (ઉ.વ.આશરે ૭) અને ટીનીબેન ગણપતભાઈ રાવળ (ઉ.વ.આશરે ર૮) તેમજ અન્ય એક વ્યક્તિ બેઠાં હતાં. આ તમામ એક જ પરિવારના હતા. 

રિક્ષા અને ઈકો વચ્ચે અકસ્માત થતાં આ તમામ લોકોને શરીરના જુદાં જુદાં ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને અકસ્માત થતાની સાથે આજુબાજુના ગ્રામજનો ઘટના સ્થળે આવી પોલીસને જાણ કરતાં પોલીસે પંચનામુ કરી કાર્યવાહી કરી હતી. 

રિક્ષામાં બેઠેલ ડ્રાઈવર લાલભાઈ તેમજ ગણપતભાઈ અને તેમની નાની પુત્રી જાનકી અને પુત્ર સાહિલની સ્થિતિ અતિગંભીર હોવાના કારણે તેમને માંડલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યાં હતાં. દરમિયાન હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ ગણપતભાઈ, સાહિલ અને જાનકીની તપાસ કરી ત્રણેય પિતા, પુત્ર અને પુત્રીને મૃત જાહેર કર્યાં હતા. જ્યારેે લાલાભાઈને વધુ સારવાર અર્થે આગળ રીફર કરાયાં હતાં તેમજ ટીનીબેન ગણપતભાઈ અને અન્ય એક વ્યક્તિને વિરમગામ- અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. માંડલ તાલુકામાં એક જ પરિવારના ત્રણ સદસ્યોના અકસ્માતમાં મૃત્યુ થવાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે અકસ્માતના આ બનાવમાં ઈકો ચાલક અકસ્માત પછી ફરાર થઈ ગયો હતો. હાલ માંડલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F1yGtT
via IFTTT

Post a Comment

أحدث أقدم