અમદાવાદમાં છેલ્લા 18 માસમાં 75 મકાનો ધરાશાયી, 12 મોત

અમદાવાદ,તા.26 સપ્ટેમ્બર 2021, રવિવાર

અમદાવાદમાં આજે રવિવારે સવારે ૬ઃ૩૦ કલાકે આસ્ટોડિયા ચકલા કાજીના ઢાબા પાસે ત્રણ માળનું જર્જરિત મકાન તૂટી પડયું હતું. સદનસીબે બંધ મકાન હોવાથી અને દુર્ઘટના સમયે નજીકમાંથી કોઇ પસાર થઇ રહ્યું ન હોવાથી જાનહાની ટળી હતી. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં ઉપરાછાપરી મકાનો ધરાશાયી થવાના વધતા જતા બનાવો ચિંતાનું કારણ બન્યા છે. ભવિષ્યમાં મોટી દુર્ઘટનામાં મોટી જાનહાની થવાની ભીતિ રહેલી છે. આ માટે મ્યુનિ.તંત્ર, સરકાર અને લોકોએ સતર્ક બની જવાનો સમય આવી ગયો છે. અમદાવાદમાં છેલ્લા ૧૮ માસમાં જર્જરિત મકાનો એકાએક ધરાશાયી થવાની ૭૫ દુર્ઘટના બની ગઇ છે. જેમાં પાંચ મહિલા, એક બાળક સહિત કુલ ૧૨ લોકોએ તેમના જીવ ખોયા છે. જ્યારે ૩૪ લોકોનો આબાદ બચાવ થયો છે. મધ્ય ઝોનમાં સૌથી વધુ ૪૫ મકાનો પડયા છે.

અમદાવાદમાં ગમે ત્યારે મોટી દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થઇ જવાની પુરેપુરી સંભાવના રહેલી છે. છેલ્લા અઠાર માસમાં મધ્ય ઝોનમાં તેમાંય કોટ વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. જેમાં આસ્ટોડિયા ચકલા, શાહીબાગ, પાંચકુવા, શાહપુર, દરિયાપુર, ઘીકાંટ, કાળુપુર, રિલિફરોડ, માણેકચોક વગેરે વિસ્તારોમાં સૌથી વધુ મકાનો પડી ગયા છે. અને હજુયે અનેક મકાનો પડવાના વાંકે ઉભા છે. 

હેરિટેજ સિટી તેના જર્જરિત મકાનોની  પુરતી સારસંભાળના અભાવને લઇને 'મોતના મકાન 'બની રહ્યા છે. વર્ષો જુના મકાનોને બચાવવા માટે, દુર્ઘટનાઓ ઘટાડવા માટે , શહેરીજનોના જાનમાલના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય અને અસરકારક નીતિ બનાવાઇ ન હોવાથી અમદાવાદમાં લોકોના માથે મોત ભમી રહ્યું છે.

દર વર્ષે રથયાત્રા અને મોહરમ જેવા તહેવારો હોય ત્યારે જ તેના રૂટ પરના જર્જરિત મકાનોનો સર્વે કરાય છે અને તેને આઇડેન્ટી ફાઇ કરીને તે દિવસ પુરતી સલામતી રાખવામાં આવે છે. બાકીના બારેય માસ આ મકાનો રામભરોસે પડયા હોય છે. કોટ વિસ્તારમાં જો પુરતો સર્વે કરવામાં આવે તો ૫૦૦થી વધુ મકાનો જર્જરિત, જોખમી હાલતમાં હશે તેવું કોટ વિસ્તારની દશા જોઇને લાગે છે.

મકાન બાબતે ભાડૂઆત-મકાન માલિકના હક-દાવા વચ્ચે જર્જરિત મકાનો મરામત પામતા નથી !

કોટ વિસ્તાર ગીચ બની ગયો છે. વર્ષો જુના મકાનો યથાસ્થિતિમાં પડયા છે. મોટાભાગે સાવ સામાન્ય એટલેકે ૨૦, ૨૨ રૂપિયાના ભાડામાં વર્ષોથી રહેતા ભાડૂઆતો મકાનની સમયસર મરામત કરાવતા હોતા નથી. મકાન માલિક પણ મરામત કરાવતો નથી. ભાડૂઆત-મકાન માલિક વચ્ચેના ઝઘડા, વિવાદના કારણે આવા મકાનો વધુને વધુ જર્જરિત બની રહ્યા છે.

મકાનના હક-દાવાને લઇને મરામત કરાવવામાં બંને પક્ષ પાછા પડી રહ્યા છે. આ સ્થિતિના કારણે જ આ મકાનો ધરાશાયી થઇ રહ્યા છે. અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. પોળમાં ગેરકાયદે બાંધકામ થાય છે. જર્જરિત મકાનના પાયા ખમી શકે તેમ ન હોવા છતાંય ધાબા પર બીજા માળ ઉતારી દેવાય છે.

ઓટલા આગળ વધતા જાય છે તેના કારણે રોડ સાંકળા બની રહ્યા છે. આ સંજોગોમાં હાલમાં પણ પોળ વિસ્તારમાં દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ, શબવાહિની, પોલીસ કે ફાયરબ્રિગેડની ગાડીઓ આવી શકતી નથી. તેઓએ પગપાળા ઘટનાસ્થળે જવાની ફરજ પડતી હોય છે.

મકાન માલિકને કાનૂની રક્ષણ મળવું જોઇએ, ભાડૂઆત-મકાનમાલિકનો ગુંચવાયેલો પ્રશ્ન સત્વરે ઉકેલ પામે તે દિશામાં કાયદા બનાવીને જર્જરિત મકાનોને પડતી બચાવવા જોઇએ.બંને માટે ચોક્કસ દિશા-નિર્દેશ હોવા જોઇએ.

કોટ વિસ્તારમાં પણ હવે વરસાદી પાણી ભરાવા લાગ્યા !

કોટ વિસ્તારમાં અગાઉ ક્યારેય વરસાદી પાણી ભરાતા નહોતા, હવે સમય બદલાયો છે, સામાન્ય વરસાદમાં જ કોટ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઇ જાય છે. વાહનોની અવર-જવર રોકાઇ જાય છે. કાલુપુર વિસ્તારમાં તો વાહનનોને ડાયવર્ઝન આપવું પડે છે. 

આમ કેમ બન્યું? તે પ્રશ્ન મહત્વનો છે. દબાણો, નવા બાંધકામો, ગેરકાયદે ગટર-પાણીના જોડાણ લેવા, સહિતના કારણોથી વરસાદી પાણીનો પ્રવાહ રોકાયો છે. ઘરની આગળ ઓટલા ચણી લીધા, દિવાલો કરી દીધી, કોમર્શિયલ બાંધકામો કરી દીધા જેના કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

કાળુપુરમાં ભૂતકાળમાં એક હોટલ પડતા દશથી વધુ લોકોના મોત થયા હતા

અમદાવાદમાં મકાનો પડવાની અને તેમાં નિર્દોષ લોકોના મોત થયા હોય તેવી ભૂતકાળની દુર્ઘટનાઓ અંગે વાત કરીએ તો  કાળુપુર રેલવે સ્ટેશન  સામે સાતેક વર્ષ પહેલા સાકુંત હોટલ ધરાશાયી થઇ હતી. જેમાં દશથી વધુ લોકોના મોત થયા હતા. અમરાઇવાડીમાં જર્જરિત મકાન તૂટી પડતા ત્રણેક લોકોએ જીવ ગુમાવવો પડયો હતો. ઓઢવમાં ગુરૂદ્વારા પાસે ઔડાના મકાનો ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું.

કોટ વિસ્તારમાં છાસવારે મકાનો પડવાના બનાવોમાં નિર્દોષ રહીશો મોતને ભેટતા હોય છે. આ ભયાનક સ્થિતિને જોતા જર્જરિત મકાનો અંગે સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. રિડેવલોપમેન્ટની પોલીસી હજુ  જોઇએ તેટલી અસરકારક અને અમલી બની ન હોવાથી પણ મકાનો ધરાશાયી થઇ રહ્યા છે.






from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ohO4MG
via IFTTT

Post a Comment

Previous Post Next Post