સાણંદથી મોટી દેવતી જવાનો માર્ગ બિસ્માર થતાં વાહનચાલકો પરેશાન


- ચોમાસાની સિઝનમાં ખાડામાં ભરાતા વરસાદી પાણીથી વધતો અકસ્માતનો ભય

સાણંદ : સાણંદથી મોટી દેવતી જવાના માર્ગ પર એટલ ખાડા પડયા છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ છે. ઉબડ ખાબડ માર્ગને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એટલું જ નહીં ચોમાસાની સિઝનમાં ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીથી અકસ્માત થવાનો વાહનચાલકોને ભય સતાવી રહ્યો છે.

સાણંદથી મોટી દેવતી જવાનો રોડ એટલો બિસ્માર બની ગયો છે કે આ રોડ વાહનચાલકોને માથાના દુખાવા સમાન બન્યો છે. રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનો કેટલીક વાર રસ્તાની બાજુ પર મુકી ચાલતા નિકળી જવાનું વિચારે છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઇક વાર ઇમરજન્સી હોય તો કોઇકને જીવ ગુમાવવાનો પડે તેમ છે. રોડ પર એટલા બધા ખાડા પડયા છે કે રોડ દેખાતો જ નથી. ચોમાસાની સિઝનમાં ખાડાઓમાં ભરાત વરસાદી પાણીથી રોજીંદી અવર જવર કરતાં વાહનચાલકોને રાત્રીના સમયે ખાડાઓનો ખ્યાલ ન રહેતાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.તો પણ તંત્રનું પેટનું પાણીય હલતું નથી. ચૂંટણી ટાણે નેતાઓ મોટા મોટા ઠાલા વચનો આપીને જાય છે. ચૂંટણી પુર્ણ થયા બાદ નેતાઓ ફરકતા પણ નથી. જેથી નેતાઓ સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ ભબૂકી ઉઠયો છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kt10vR
via IFTTT

Post a Comment

Previous Post Next Post