બે યુવતીએ પકડી રાખ્યો એક શખ્સે ચાકૂ મારી યુવકને લૂંટી લીધો


અમદાવાદ, રવિવાર

દાણીલીમડામાં રહેતો યુવક તેના વતન ઉત્તરપ્રદેશથી કાલુપુર આવ્યા બાદ રિક્ષામાં તેના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન વાસણા ભાઠા ગામ પાસે રિક્ષામાં બેઠેલી બે યુવતીઓએ તેને પાછળથી પકડી રાખ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સે તેને ચાકૂ મારીને મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધી હતી. વાસણા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.          

દાણીલીમડામાં ફૈજલનગર વિભાગ-૨માં રહેતો મોહંમદનુરાની એમ.ખાન તેના વતન ઉત્તરપ્રદેશ ગયો હતો અને ટ્રેનમાં બેસીને કાલુપુર આવ્યો હતો. કાલુપુરથી તે રિક્ષામાં તેના દાણીલીમડાના ઘરે આવી રહ્યો હતો.રિક્ષામાં અગાઉથી બે યુવતી અને ડ્રાઈવર સહિત પાંચ જણા બેઠેલા હતા.

દરમિયાન વાસણામાં ભાઠા ગામ જવાના રોડ પર મોડી રાત્રે રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી હતી. દરમિયાન એક શખ્સે છરો કાઢીને મોહંમદનુરાનીને ગળા પર મારવા જતા તેણે હાથ આડો કરી દીધો હતો. જોકે ઝપાઝપીમાં મોહંમદનુરાનીના ગળા તથા છાતીના ભાગે અને આંગળી પર ચાકૂ વાગતા તે ઘાયલ થયો હતો. બીજીતરફ રિક્ષામાં બેઠેલી બે યુવતીઓએ મોહંમદનુરાનીના બન્ને હાથ પાછળથી પકડી રાખ્યા હતા. બાદમાં મોહંમદનુરાનીના ગજવામાંથી મોબાઈલ અને ૨,૫૦૦ રોકડા, આધારકાર્ડ, ઈલેક્શન કાર્ડ ભરેલુ પર્સ લૂંટી લીધા હતા. બાદમાં તમામ આરોપીઓ ભાગી ગયા હતા. રિક્ષામાં વાતચીત દરમિયાન એક શખ્સનું નામ જેડી અને યુવતીનું નામ પ્રિયા હોવાનું મોહંમદનુરાનીને જાણવા મળ્યું હતું.આ અંગે વાસણા પોલીસે જેડી તથા પ્રિર્યા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yvkHYO
via IFTTT

Post a Comment

Previous Post Next Post