જન્માષ્ટમીએ ગાયોને મ્યુનિ.ડબામાંથી મુક્ત કરવાની 34 વર્ષ જુની પ્રથા ભુલાઇ

અમદાવાદ,તા.29 ઓગષ્ટ 2021, રવિવાર

આજે સોમવારે જન્માષ્ટમી પર્વની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી થશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પર્વ પ્રસંગે અમદાવાદમાં વર્ષ ૧૯૮૪થી મ્યુનિ.કોર્પોરેશને ડબામાં પુરેલી ગાયો છોડી મૂકવાની એક પરંપરા હતી જે છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ નિભાવવામાં આવી નથી.જેનું પશુપાલકોને ભારોભાર  દુખ છે. ભગવાન કૃષ્ણ ગોવાળિયા હતા તેમને ગાયો અતિપ્રિય હતી તેમના જન્મ પ્રસંગે ગાયોને મુક્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદ મેળવવાની સાથે પશુપાલનનો વ્યવસાય જીવંત રહે તે મુખ્ય હેતુ  અને ભાવના હાલ ભુલાઇ રહી છે. ત્રણેક વર્ષ પહેલા  હાઇકોર્ટનો હુકમ હતો કે 'દંડ કે ચાર્જ વગર ગાયો છોડવી નહીં' આ આદેશના અનુસંધાને ગાયો છોડવામાં આવી રહી ન હોવાનું મ્યુનિ.તંત્ર કારણ આગળ ધરી રહ્યું છે. હાલમાં અમદાવાદના મ્યુનિ.ડબામાં કુલ ૧,૧૦૦ જેટલી ગાયો પુરાયેલી છે. જે આ જન્માષ્ટમીએ પણ ડબામાં જ પુરાયેલી રહેશે.

આ અંગે માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ  અમદાવાદ શહેરના મેયરને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં ઉલ્લેખ મુજબ જન્માષ્ટમી પર્વ નિમિતે ગાયોને ડબામાંથી મુક્ત કરવાની ૩૪ વર્ષ જુની પરંપરાને  મ્યુનિ.તંત્રે નિભાવવી જોઇએ. એકબાજુ ગાયોને માતાનું સ્થાન અપાય છે અને બીજી બાજુ ગાયોને કેદ કરી દેવાય છે. હાઇકોર્ટનો આદેશ રેગ્યુલર આદેશ છે સ્પેશિયલ જન્માષ્ટમીને ધ્યાને લઇને કરાયેલો આદેશ નથી. જન્માષ્ટમીએ ગાયો ન છોડવી તેવું હાઇકોર્ટનું અવલોકન નથી.

મેગાસિટી અમદાવાદમાં  રોડ પર રખડતી ગાયોને પકડીને મ્યુનિ.ડબામાં પુરવાની પ્રક્રિયા બારે માસ ચાલે છે. તેના માલિક સામે એફઆઇઆર નોંધવામાં આવે છે, મોટી રકમનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવે છે.શહેરમાં ગાયોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવાની વ્યવસ્થાના ભાગરૂપે આ આખી પ્રક્રિયા છે. 

તેનો વિરોધ નથી. પરંતુ ગાયને માતા કહો છો તો વર્ષમાં એક વખત એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસના શુભ પ્રસંગ નિમિતે ગાયોને ડબામાંથી મુક્ત કરવાની પરંપરા બંધ કરી દેવી તેની સામે માલધારીઓનો વિરોધ છે. વપર્ષ ૧૯૮૪માં મ્યુનિ.મેયરે જન્માષ્ટમીએ ગાયો છોડવાનો ઠરાવ કર્યો હતો તે ઠરાવનું પાલન આ એક દિવસ પુરતું કરવું જોઇએ. 

સ્માર્ટસિટી અમદાવાદમાં રોડ પર રખડતી ગાયો સિવાયના અનેક પ્રશ્નો શહેરીજનો વેઠી રહ્યા છે આ પ્રશ્નોના ઉકેલમાં પણ મ્યુનિ.તંત્રે કડકાઇ દાખવી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવો જોઇએ તેવી પણ માંગણી કરાઇ છે.

માલધારી એકતા સમિતિના જણાવ્યા મુજબ ગૌહત્યા, ગાયોની ચોરી જેવી ગુનાખોરી હજુ યથાવત છે. કાયદો બન્યો હોવા છતાંય તેનું પાલન કરવામાં આવતું નથી. કસાઇઓ ગાયોને ચોરીને સીધી કતલ ખાને લઇ જઇ રહ્યા છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી ગાયો ચોરી થવાના કિસ્સાઓ પણ અવાન-નવાર સામે આવી રહ્યા છે. આ મામલે પણ મ્યુનિ.તંત્રે કડક  અમલવારી કરવી જોઇએ.

38 ગામો મ્યુનિ.ભળ્યા બાદ પશુપાલકોની દશા બેઠી, રોજગારી છીનવાઇ ગઇ

વર્ષ ૨૦૨૦માં અમદાવાદ શહેરની આજુબાજુમાં આવેલા ૩૮ જેટલા ગામોને મ્યુનિ.વિસ્તારમાં ભેળવી દેવાયા હતા. આ ગામોમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કોર્પોરેશનમાં આ વિસ્તારોનો સમાવેશ થતા મ્યુનિ.તંત્ર દ્વારા ગાયોને ઘર આંગણેથી ઉપાડી જવાય છે. આ સ્થિતિમાં અનેક પરિવારોની રોજગારી છીનવાઇ છે.

ખેતીકામ માટે અથવા ખેતરમાં ચરવા માટે લઇ જવાતી ગાયોને પણ રસ્તામાં આંતરીનેે ડબામાં પુરી દેવામાં આવે છે. આ સમસ્યાને લઇને હજારો પશુપાલકો પરેશાન છે. આકરા દંડની જોગવાઇઓમાં પશુપાલકો પોલીસ સ્ટેશન, મ્યુનિ.કચેરીના ધક્કાઓ ખાવા મજબૂર બન્યા છે. ગામડાઓમાં મ્યુનિ.તંત્ર શહેરી સુવિધાઓ પુરી પાડવામાં પાછી પડે છે પરંતુ ગાયોને પકડીને દંડ વસુલવામાં , પશુપાલકોની હેરાનગતિ કરવામાં  પાછી પાની કરતી ન હોવાની લાગણી આ ગામોનો લોકો અનુભવી રહ્યા છે.

વર્ષ ૧૯૮૭માં રામોલ-હાથીજણ, વટવા, વિંઝોલ, લાંભા, નિકોલ, ઓઢવ, નરોડા, વસ્ત્રાલ સહિતના અનેક ગામો મ્યુનિ.માં ભળ્યા હતા. આ ગામોમાં મુખ્ય વ્યસાય પશુપાલન છે છતાંય વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ નથી. 

શહેરમાં 3,500 ગાયોની નોંધણી થઇ, પશુપાલકોને પશુપાલન, રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ નથી

સ્માર્ટસિટી અમદાવાદમાં રખડતી ગાયોનો પ્રશ્ન ગંભીર હોવાથી ત્રણેક વર્ષ પહેલા મ્યુનિ.કમિશનરે આદેશ બહાર પાડીને ગાયો સહિતના પશુઓની ગણતરી હાથ ધરી હતી. જેમાં ગાય, ભેંસ જેવા પશુઓ રાખનારાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ શહેરથી ૨૦ કિ.મી. દુર પશુપાલન અને રહેવા માટે  જગ્યા આપવાની વાત કરાઇ હતી.

તે સમયે શહેરમાં રહેતા તમામ પશુપાલકોએ ગાયો સહિતના પ્રાણીઓની નોંધણી કરાવી હતી. પશુ દીઠ ૨૦૦ રૂપિયા ફી પણ ભરી હતી. આ અંગે માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇના જણાવ્યા મુજબ તે સમયે કુલ ૩,૫૦૦ જેટલી ગાયોની નોંધણી થવા પામી હતી. આ વાતને ત્રણેક વર્ષ થયા છતાંય આજદીન સુધી માલધારીઓને પશુપાલન કે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પુરી પડાઇ નથી.

મ્યુનિ.તંત્ર અને સત્તાધારી પક્ષની બેવડી નીતિ સામે આવી રહી છે. એકબાજુ ગાયોને શહેરમાંથી કાઢવાની વાત કરે છે અને બીજી બાજુ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આનાકાની કરાઇ રહી છે. સરકારે આ મામલે જડતા છોડી વ્યવહારૂ વલણ અપનાવી માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવી જોઇએ, રોજગારી આપવી જોઇએ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t0VrZl
via IFTTT

Post a Comment

Previous Post Next Post