જર્કને ગ્રાહકોના અન્યાયની નહીં, વીજ કંપનીઓને ભાવવધારો મળે એની ચિંતા


સરકાર જ કાયદાનો ભંગ કરતી હોવાનો આક્ષેપ

જૂના રેગ્યુલેશન પ્રમાણે જ વીજદર વધારો કરવા દેવાની જર્કે છૂટ માગી

અમદાવાદ : ગુજરાત વીજ નિયમન પંચે 2021થી 2026ના પાંચ વર્ષ માટે મલ્ટી યર ટેરિફ રેગ્યુલેશન તૈયાર ન કર્યા હોવાથી જૂના રેગ્યુલેશનને આધારે જ વીજ ઉત્પાદન અને વીજ વિતરણ કંપનીઓને વીજદરમાં વધારો કરવા દેવાની માગણી કરતી  સુઓ મોટ્ટો પીટીશન ફાઈલ કરી છે.

સામાન્ય રીતે દર પાંચ વર્ષે બદલાયેલા સંજોગો પ્રમાણેના રેગ્યુલેશન્સ તૈયાર કરવાના હોય છે. પરંતુ ગુજરાત વીજ નિયમન પંચ રેગ્યુલેશનમાં સુધારો કરી શક્યું ન હોવાથી જૂના રેગ્યુલેશન પ્રમાણે જ વીજદરમાં વધારો કરી દેવાની માગણી કરી રહ્યું છે. 

વીજ ઉત્પાદન કંપનીઓ, વીજ વિતરણ કંપનીઓ તેમના ગયા વર્ષના પરફોર્મન્સ અને આગામી વર્ષમાં રેવન્યુની ઊભી થનારી રિક્વાયરમેન્ટની વિગતો રજૂ કરીને વીજદરમાં વધારો કરવાની માગણી કરે છે.

ગુજરાતમાં કોલ વિદ્યુત કરતાં પવન અને સૌર ઉર્જાથી વીજળી પેદા કરવાની બહુ જ ઝડપથી વધી રહ્યું છે. તેના થકી પેદા થતી વીજળી સસ્તી પડી રહી છે. આ સંજોગોમાં રેગ્યુલેશન્સમાં પણ બદલાતા સંજોગો પ્રમાણે ફેરફાર કરવા પડી શકે છે. તેનાથી ગ્રાહકોને સસ્તા દામે વીજળી મળતી થાય તેવા સંજોગો પણ નિર્માણ થઈ શકે છે.

જો નવા રેગ્યુલેશન્સ ન બનાવવામાં આવે અને જૂના પ્રમાણે જ આગામી વર્ષના વીજદર નક્કી કરવામાં આવે તો તેને પરિણામે ગ્રાહકોને અન્યાય થવાની સંભાવના ખાસ્સી વધી જાય છે. તેથી જ કદાચ સમય અને સ્ટાફને અભાવે વીજ નિયમન પંચ નવા રેગ્યુલેશન તૈયાર ન કરી શક્યું હોવાનું જણાવીને વીજદરના ભાવ નક્કી કરી આપવા સક્રિય થઈ રહ્યું હોવાની આશંકા અભિવ્યક્ત કરવામાં આવી રહી છે. 

ગુજરાત વીજ નિયમન પંચના ચેરમેન આનંદકુમારની પાંચ વર્ષની મુદત પાંચમી એપ્રિલ 2021ના પૂરી થઈ ગઈ છે. તેમને સ્થાને નવા ચૅરમૅનની ગુજરાત સરકાર ેઆજ સુધી નિમણૂક કરી નથી. ગુજરાત સરકારે પણ નવા ચૅરમૅનની નિમણૂક કરવા માટેની તારીખ લંબાવી દીધી છે. તેથી નવા રેગ્યુલેશન તૈયાર થઈ શક્યા નથી.

તેથી તેમણે પિટીશન ફાઈલ કરીને જૂના રેગ્યુલેશનની મુદત વધુ એક વર્ષ માટે લંબાવવાની માગણી કરી છે. ગયા વર્ષે પણ તેમણે રેગ્યુલેશન રિવાઈઝ કરવા માટે એક વર્ષની મુદત માગી હતી. આ વર્ષે ફરીવાર એક વર્ષની મુદત વધારી આપવાની માગણી કરી છે. આ અંગે સંબંધિત સંસ્થાઓના અભિપ્રાય આગામી 13મી સપ્ટેમ્બર સુધીમાં મંગાવ્યા પણ છે. 

તેથી 2022-23ના નાણાંકીય વર્ષ માટેના વીજદર પણ જૂના રેગ્યુલેશન્સને આધારે જ નક્કી થશે. આમ સરકાર પોતે જ વારંવાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ના નિયમોનો ભંગ કરે છે. જર્કના ચૅરમૅન નિવૃત્ત થાય તે પછી 3 મહિનામાં નવા ચૅરમૅનની નિમણૂક કરવાના નિયમનું ગુજરાત સરકાર જ પાલન કરતી નથી.

તેથી નિવૃત્ત થતાં ચૅરમૅન નવા ચૅરમૅનને ચાર્જ સોંપ્યા વિના જ ચાલ્યા જાય છે. ગુજરાત સરકારને કહ્યાગરા કંથ જેવા ચૅરમૅન જોઈતા હોવાથી તે આ હોદ્દા પર નવી નિમણૂક કરવામાં વિલંબ કરે છે. તેની સામે ગ્રાહકોના હિતમાં કામ કરનારાઓ સતત વાંધા ઊઠાવતા હોવા છતાંય તેમને સાંભળવામાં આવતા નથી.

ત્યારબાદ 30મી નવેમ્બર સુધીમાં વીજ ઉત્પાદન અને વીજ વિતરણ કંપનીઓને તેમના એન્યુઅલ રેવન્યુ  રિક્વાયરમેન્ટની પિટીશન-એઆરઆર ફાઈલ કરવા જણાવવામાં આવશે. નવેમ્બરમાં એઆરઆર ફાઈલ થયા બાદ તે અંગ ેસુનાવણી કરીને 31મી માર્ચ પૂર્વે વીજ નિયમન પંચ ચૂકાદો આપી દે છે. તે ચૂકાદા પ્રમાણેના નવા વીજદર પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DoVqmG
via IFTTT

Post a Comment

أحدث أقدم