
સરકારી જમીનો બિન ખેતી વિષયક હેતુ માટે ગ્રાન્ટ કરવામાં આવે ત્યારે આકારણીની પ્રક્રિયામાં અગાઉ 50 લાખ કે તેથી વધુની કિંમત નિશ્ચિત હતી
ગાંધીનગર : ગુજરાતમાં સરકારી જમીનો બિનખેતી વિષયક હેતુ માટે ગ્રાન્ટ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સરકારી જમીનની એવી દરખાસ્તમાં જમીનની કિંમત બે કરોડ કે તેથી વધુ હોય તો તેને રાજ્યકક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિમાં રજૂ કરવાનો આદેશ મહેસૂલ વિભાગે આપ્યો છે.
સરકારનું હિત સંકળાયેલું હોય તેવી સરકારી જમીનમાં કિંમતની આકારણી કરવા માટે અગાઉ માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરવામાં આવેલા છે. આ સિદ્ધાંત પ્રમાણે 10 લાખ સુધીની કિંમતની જમીનો બિન ખેતી વિષયક હેતુ માટે ગ્રાન્ટ કરવાના કિસ્સામાં જમીનની આકારણી સ્થાનિક નાયબ નગર નિયોજક મારફતે કરવામાં આવતી હતી. જ્યારે 10 લાખ કરતાં વધારે કિંમતની જમીનો ગ્રાન્ટ કરવાના તમામ કિસ્સામાં મુખ્ય નગર નિયોજકનો અભિપ્રાય લેવાનું ઠરાવવામાં આવ્યું હતું.
જો કે 1998ના ઠરાવની જોગવાઇ પ્રમાણે સરકારી જમીનની કિંમતની આકારણી જિલ્લા કક્ષાનીસમિતિ દ્વારા નક્કી થયા પછી જે તે કિસ્સામાં સરકાર કક્ષાએ નિર્ણય થવા માટે આવે ત્યારે જે કિસ્સામાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા કરાયેલું મૂલ્યાંકન 50 લાખ કે તેથી વધુ હોય તો તેવા કિસ્સામાં જિલ્લા કક્ષાએ થયેલા મૂલ્યાંકન પર નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના રાજ્યના મુખ્ય નગર નિયોજકનો અભિપ્રાય લેવામાં આવતો હતો. આ પ્રક્રિયા પછી મુખ્ય નગર નિયોજકના અભિપ્રાયના આધારે નિર્ણય કરવા માટે રાજ્યકક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિનો અભિપ્રાય લેવાનું ઠરાવવામાં આવ્યું હતું.
આ પ્રકારની સરકારી જમીનની આકારણી કરવાની પદ્ધતિને ધ્યાને લેતાં રાજ્યમાં જમીનોની કિંમતમાં દિન પ્રતિદિન સતત વધારો થતો હોઇ 1998ના ઠરાવને વર્ષો વિતી ગયા હોવાથી રાજ્ય કક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિ સમક્ષ રજૂ કરવામા આવતા કેસોમાં જમીનની કિંમતની મર્યાદામાં વધારો કરવાની બાબત સરકારની વિચારણામાં હતી.
આ વિચારણાને ધ્યાને લેતાં રાજ્યના મહેસૂલ વિભાગે સરકારી જમીનોની કિંમત આકારવા બાબતે મહત્વનો સુધારો કરીને જે દરખાસ્તમાં જમીનની કિંમત બે કરોડ કે તેથી વધુ હોય તેવી દરખાસ્તને રાજ્યની મૂલ્યાંકન સમિતિ સમક્ષ રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી તેમજ શહેરી વિકાસ વિભાગની શાખાઓને આદેશ કરવામાં આવ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zr1by0
via IFTTT
إرسال تعليق