માન્યતા વગર પ્રવેશ આપનારી શાળાની હાઇકોર્ટે ઝાટકણી કાઢી


ફરી માન્યતા માટેની શાળાની અપીલ રદ

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારી શાળાઓ સામે સરકાર શા માટે FIR નથી કરતી ? કોર્ટ

અમદાવાદ : અમદાવાદમાં એક શાળાના જિલ્લા શિક્ષણાધિકારીએ ધોરણ-11-12ના વર્ગ બંધ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં શાળાએ બન્ને ધોરણમાં પ્રવેશ આપ્યા હતા અને ત્યારબાદ સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેથી હાઇકોર્ટે શાળાની અપીલ ફગાવી આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારી શાળાઓ સામે સરકારે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ.

અમદાવાદની જ્ઞાાનોદય મંડળ સંચાલિત જ્ઞાાનોદય હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ 11 અને 12ના વર્ગો બંધ કરવા આદેશો આપવામાં આવ્યા હતા. જો કે આમ છતાં શાળાએ વર્ષ 2021ના શેક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો અને શિક્ષણાધિકારીને આદેશ સામે પિટિશન કરી હતી. પિટિશનમાં શાળાની દલીલ કરી હતી કે માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.

ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને એક જ યુનિટ ગણવામાં આવે છે તેથી આ પ્રવેશ થયો છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે શાળાના આ વલણની મૌખિક ટીકા કરતા કહ્યું હતું કે તમે પ્રવેશ પહેલાં શિક્ષણાધિકારીની મંજૂરી લીધી હતી, હાઇકોર્ટે પણ આ મુદ્દે કોઇ વચગાળાનો આદેશ કર્યો નથી. આ એક પ્રકારની ગેરરીતિ અને છેતરપિંડી છે. 

કાલે વિદ્યાર્થીઆના વાલીઓ કોર્ટમા આવીને માગણી કરશે કે તેમની સાથે છેતરપિંડી થઇ છે અને તેમના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવામાં આવે. આ ઉપરાંત કોર્ટ સરકારને પણ ટકોર કરી હતી કે શું સરકારે શાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે? હાઇકોર્ટે શાળાની અપીલ ફગાવી કહ્યું છે કે જો તેમને કોઇ રજૂઆત કરવી હોય તો જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવાની છૂટ આપવામાં આવે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38pJi73
via IFTTT

Post a Comment

أحدث أقدم