પોલીસ કાફલા સાથે બી. યુ. પરમિશન મુદ્દે પાન પાર્લરને સીલ મરાયું


- સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

વિરમગામ : વિરમગામ સમીપે હાંસલપુર માલવણ ચોકડી સ્ટેટ હાઇવે ઉપર આવેલ આસોપાલવ હોટલ એન્ડ ગેસ્ટહાઉસની બાજુમાં આવેલ આસોપાલવ પાન પાર્લરને વિરમગામ નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.

વિરમગામ હાંસલપુર માલવણ ચોકડી સ્ટેટ હાઇવે ઉપર આસોપાલવ હોટલ એન્ડ ગેસ્ટહાઉસ ઘણા વર્ષોથી કાર્યરત છે ત્યારે વિરમગામ નગરપાલિકા દ્વારા તા. ૧૨-૮-૨૦૨૧ના રોજ બિનઅધિકૃત બાબતે નોટિસ પાઠવવામાં આવેલ હતી. નોટિસમાં જણાવ્યા મુજબ મિલકત બાંધકામની પરવાનગી તેમજ મિલકત વપરાશની પરવાનગી રજૂ કરવા જાણ કરવામાં આવી હતી જે બાબતે અરજદારે ૧૭-૦૮-૨૦૨૧ના રોજ જવાબ આપી જણાવ્યું હતું કે બાંધકામ પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરેલ છે અને પ્લાન રીવ્યૂ થઈ ગયા બાદ રજૂ કરીશું તેવો લેખિત જવાબ સુપ્રત કરેલ હતો.બાદમાં નગરપાલિકા દ્વારા અંતિમ નોટિસ પાઠવી જણાવેલ કે બાંધકામની પરવાનગી મેળવેલ નથી તે પછી મેળવવાની થતી મકાન વપરાશ પરવાનગી પણ નથી આમ મકાન બાંધવાની પરવાનગી મેળવવા સમય આપવાની સરકારના જાહેરનામા અન્વયે તેમજ ના. ગુજરાત હાઇકોર્ટ ૨૦૨૧થી આપેલ ઓરલ ઓર્ડર અનુસાર, કાયદાનુસાર કાર્યવાહી કરવાની થાય છે તેની ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ- ૧૫ (૪)(ખ) હેઠળની જોગવાઈ અનુસાર આજરોજ નગરપાલિકાના એન્જિનિયરો પાલિકાના કર્મચારી, ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે આસોપાલવ હોટલ એન્ડ ગેસ્ટહાઉસની બાજુમાં આવેલ આસોપાલવ પાનપાર્લરને સીલ મારવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હોટલને કલેક્ટરશ્રી, અમદાવાદ એન.એ.ની મંજૂરી મળેલ છે પરંતુ નગરપાલિકા બાંધકામની મંજૂરી કે બીયુ પરમિશન ન હોવાના કારણે આસોપાલવ પાન પાર્લર અને ઓનેસ્ટ ફરસાણ કટલરી સહિતની દુકાનો સીલ મારવામાં આવ્યું હતું. 

વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં જેકોઈ આસામી પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન, ફાયર એનઓસી નહિ હોય તેમની સામે આગામી દિવસોમાં નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે હાલ તો એખ સંકુલને સીલ મારતા તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sQMiTc
via IFTTT

Post a Comment

Previous Post Next Post