
આયોગના રિપોર્ટમાં ટીકાઓથી બચવા સરકારનું પગલું
વયનિવૃત્તિના મહિનામાં રજૂ થતાં અહેવાલથી સામાન્ય વહીવટ વિભાગ ખફા : સમયમર્યાદાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે
ગાંધીનગર : ગુજરાત સરકારના નિવૃત્ત થઇ રહેલા અધિકારી તેમજ કર્મચારીઓને તેમના નિવૃત્તિના માસમાં આરોપનામું બજાવવું પડે તેવા સંજોગો નિવારવા માટે વિભાગોમાં શિસ્તભંગના પ્રકરણોમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશનું પાલન વિવિધ વિભાગો ઉપરાંત બોર્ડ-નિગમમાં પણ કરવાનો રહે છે.
સરકારની કચેરીઓમાં અધિકારી કે કર્મચારી જે મહિનામાં નિવૃત્ત થવાના હોય તેના અંતિમ સપ્તાહમાં આરોપનામું બજાવવામાં આવતું હોય છે. જે કેસોમાં રાજ્ય તકેદારી આયોગ તરફથી ભલામણ થઇ હોય તેવા કેસો ઝડપથી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
હવે કોઇપણ વિભાગ દ્વારા નિવૃત્ત થનારા અધિકારી કે કર્મચારીના કેસમાં વય નિવૃત્તિના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં તકેદારી આયોગને મોકલી આપવાના રહેશે. અસાધારણ સંજોગોમાં અધિકારીની વય નિવૃત્તિના એક મહિના પહેલાં કેસો રજૂ કરવા પડશે.
આ સાથે એવી પણ સૂચના આપવામાં આવી છે કે ગુજરાત તકેદારી આયોગને તેના વાર્ષિક અહેવાલમાં સરકારના વિભાગોમાં તપાસના કેસોમાં વિલંબની ટીકા કરવાનો મોકો આપવો નહીં.સચિવાલયના વહીવટી વિભાગોમાં આ સૂચનાઓનું પાલન ચૂસ્તપણે થાય તે જોવાની કામગીરી વહીવટી વિભાગના મુખ્ય તકેદારી અધિકારી અથવા ખાતાકીય તપાસની કામગીરી સંભાળતા સંયુક્ત કે નાયબ સચિવને સોંપવાની રહેશે.
જો તકેદારી આયોગનો અભિપ્રાય મળ્યા પછી વર્ગ-1ના અધિકારી સામેનો કેસ હોય તો સામાન્ય વહીવટ વિભાગ મારફતે કેસ રજૂ કરી સરકારની મંજૂરી મેળવવાની રહેશે. નિયમ હોવા છતાં વિભાગો તરફથી તકેદારી આયોગને નિયત સમય મર્યાદામાં કેસ રજૂ કરવામાં આવતા નથી તેથી આવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
એવા પણ કિસ્સા નોંધાયા છે કે વર્ગ-1ના અધિકારીના ખાતાકીય તપાસના કેસ પણ વય નિવૃત્તિના છેલ્લા દિવસે સામાન્ય વહીવટ વિભાગને મંજૂરી અર્થે મોકલવામાં આવે છે પરિણામે વિભાગને કેસની ચકાસણી માટે સમય મળતો નથી અને તેના કારણે જે તે દરખાસ્ત સાથે નાછુટકે સહમત થવું પડતું હોય છે.
આદેશમાં જણાવાયું છે કે નિવૃત્તિના કિસ્સામાં તકેદારી આયોગને ત્રણ મહિના પહેલાં સંપૂર્ણ અહેવાલ આપવાનો હોવાથી વર્ગ-2ના અધિકારીના કેસમાં નિવૃત્તિના પાંચ મહિના અને વર્ગ-1ના કિસ્સામાં હકીકતલક્ષી કે પ્રાથમિક તપાસ અહેવાલ છ મહિના પહેલાં મોકલવો પડશે. આ અહેવાલમાં અધિકારીનું નામ, હાલનો હોદ્દો, વર્ગ, ફરજ પરની કચેરી, જન્મ તારીખ, નિવૃત્તિની તારીખ અને ફરિયાદની અરજીની સ્થિતિ જેવી બાબતો સામાન્ય વહીવટ વિભાગને મોકવાની રહેશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lj0xOS
via IFTTT
Post a Comment