અમદાવાદથી દિલ્હીની હાઇસ્પીડ ટ્રેનના રૂટમાં હિંમતનગર સહિત કુલ 14 સ્ટેશન સ્થપાશે


આ કોરિડોરની ટ્રેન 866 કિલોમીટરનું અંતર સાડા ત્રણ કલાકમાં કાપશે, આ રેલવે લાઇન માટે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે

ગાંધીનગર : અમદાવાદથી રાજકોટની જેમ અમદાવાદથી દિલ્હી સુધીની હાઇસ્પીડ ટ્રેન દોડાવવાની યોજના સાકાર થવા જઇ રહી છે. જો આ ટ્રેન શરૂ થશે તો અમદાવાદથી દિલ્હી માત્ર 3.5 કલાકમાં પહોંચી શકાશે. આ હાઇસ્પીડ ટ્રેન માટે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી હિંમતનગરને બીજું સ્ટેશન મળશે.

હાઇસ્પીડ કોરિડોરમાં ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકના 350 કિલોમીટરની અને સરેરાશ સ્પીડ 250 કિલોમીટરની હશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ આ પ્રોજેક્ટ અંગે બેઠકો કરી રહ્યાં છે. આ કોરિડોર બન્યા પછી ભારતના કેપિટલ અને અમદાવાદ વચ્ચેના અંતરમાં મોટો ઘટાડો થશે.

આ કોરિડોરની લંબાઇ 886 કિલોમીટર છે જેમાં બન્ને મેટ્રો સિટી વચ્ચે 14 સ્ટેશન બનશે. ગુજરાતના ગાંધીનગર અને હિંમતનગર પછી રાજસ્થાનના ઉદેપુર, ભીલવાડા, ચીત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, નિમરાના, રેવાડી, માનેસર, ગુરૂગ્રામમાં સ્ટેશન બનાવાશે. અમદાવાદમાં એક અને દિલ્હીમાં સંભવિત બે સ્ટેશન રહેશે.

હરિયાણામાં આ કોરિડોરની લંબાઇ 78.22 કિલોમીટરની છે. આ પ્રોજેક્ટ માટે રેલ કોર્પોરેશને એનવાયર્નમેન્ટલ અને સોશ્યલ સન્સલ્ટેશન અંગેની એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં ગુરૂગ્રામના એડિશનલ ડેપ્યુટી કમિશનર વિશ્રામ કુમાર મીના અને રેલ કોર્પોરેશનના સિનિયર ઓફિસર અનિલ શર્મા ઉપસ્થિત રહ્યાં હતા.

શર્માએ કહ્યું હતું કે આ કોરિડોર દિલ્હીના દ્વારકાના સેક્ટર-21થી શરૂ થશે જેનું એલાઇનમેન્ટ ગુરૂગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ-વેથી પ્રસ્તાવિત છે. ગુરૂગ્રામથી તે ગુરૂગ્રામ-જયપુર રેલવે લાઇન સાથે રેવાડી જશે અને ત્યાંથી નેશનલ હાઇવે-48ની સમાંતર અમદાવાદ પહોંચશે. બેઠકમાં બતાવવામાં આવ્યું હતું કે ગુરૂગ્રામમાં આ હાઇસ્પીડ રેલવે કોરિડોર 48.08 કિલોમીટર લાંબો બનશે જેનાથી 33 ગામડાં પ્રભાવિત થશે.

અમદાવાદથી રાજકોટ વચ્ચે પણ સેમી હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો છે. આ બન્ને શહેરો વચ્ચેનું અંતર 225 કિલોમીટર થાય છે. કલાકના 160 કિલોમીટરની ઝડપે હાઇસ્પીડ ટ્રેન દોડશે ત્યારે અમદાવાદથી રાજકોટ બે કલાક કરતાં ઓછા સમયમાં પહોંચી શકાશે, જે સમય અત્યારે ચાર કલાક જેટલો થાય છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 28000 કરોડ રૂપિયા થવા જાય છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દેશભરમાં આઠ રૂટ પર આવી હાઇસ્પીડ ટ્રેન દોડાવવા માગે છે જે પૈકી અમદાવાદ-મુંબઇ કોરિડોરની કામગીરી શરૂ થઇ ગઇ છે. હવે અમદાવાદથી દિલ્હી કોરિડોરનો અભ્યાસ પૂર્ણતાના તબક્કે છે. આ રેલવે લાઇનમાં કેટલોક હિસ્સો એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ પણ હશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર પછી હિંમતનગરને સ્ટેશન મળશે. રાજસ્થાનમાં પહેલું સ્ટેશન ઉદેપુર હશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VlLBET
via IFTTT

Post a Comment

Previous Post Next Post