
સરકારે એગ્રીમેન્ટ રદ કરવા 5મી સપ્ટેમ્બર સુધી મુદત લંબાવી
અરજદારો કહે છે, જમીન એન.એ. કરાવવાના અમારા પૈસા પાછા આપો પછી જ કરાર રદ કરીશું, નહિ તો કોર્ટમાં જઈશું
અમદાવાદ : સોલાર પાવર પેદા કરવા માટે અંદાજે રૂા. 2500 મેગાવોટ વીજળી પેદા કરવાના કરાર કરીને રૂા. 10,000 કરોડનું રોકાણ કરનારા ખેડૂતો અને સાહસિકોને એકાએક સબસિડી આપવાની મનાઈ કરી દેવાના ગુજરાત સરકારના નિર્ણય પછી પાવર પરચેઝ એગ્રીમેન્ટ રદ કરવા માટે 4000 રોકાણકારોમાંથી માત્ર 200 રોકાણકારો જ તૈયાર થયા છે.
તેથી ગુજરાત સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટ રદ કરાવવા માટેની તારીખ 5મી સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવાની આજે જાહેરાત કરી છે. બીજીતરફ ગુજરાત સરકારની વીજ વિતરણ કંપની અને જીયુવીએનએલના અધિકારીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરનારાઓને વ્યક્તિગત ફોન કરીને તેમને જણાવી રહ્યા છે કે તમે પાવર પરચેજ એગ્રીમેન્ટ કરવા માટે જમા કરાવેલા નાણાં પરત જોઈતા હોય તો સરકાર સાથેનો કરાર રદ કરાવવા આવી જાવ.
31મી ઓગસ્ટ આ માટની છેલ્લી તારીખ છે. આ રીતે સતત કરાર કરનારાઓને ફોન કર્યા પછી પણ સરકાર સાથે કરાર કરનારા 4000 રોકાણકારોમાંથી માત્ર 200 જેટલા જ રોકાણકારોએ તેમના કરાર રદ કરાવવા માટે અરજી કરી છે.
બાકીના અરજદારો તો સરકારી અધિકારીઓના ફોનના જવાબમાં જ જણાવી રહ્યા છે કે પહેલા સરકાર અમને આ કરાર માટે જમીન એન.એ. કરાવવા માટે કરેલા ખર્ચના નાણાં, જમીનને લેવલિંગ કરાવવાના નાણાં અને સોલાર પાવર યુનિટથી સરકારી લાઈન સુધી પાવર પહોંચતો કરવા થાંભલા નાખવા માટે કરેલા ખર્ચ સહિતના તમામ ખર્ચાઓ પરત કરે તે પછી જ અમે અમારા પાવર પરચેઝ એગ્રીમેન્ટ રદ કરીશું.
આ સાથે જ ફોન કરનારા અધિકારીઓને તેઓ જણાવી રહ્યા છે કે અમને થયેલા નુકસાનના નાણાં પરત નહિ આપો તો અમે કોર્ટમા ંજઈશું. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે સ્મોલ સ્કેલ ડેવલપમેન્ટ ઑફ સોલાર પ્રોજેક્ટ-એસએમસડીએસપીની યોજના સરકારે ડિસેમ્બર 2020માં જાહેર કરી હતી. આ યોજના હેઠળ આરંભમાં અરજીઓ આવી જ નહોતી. તેથી સરકેરા જૂન 2021 સુધીમાં બેથી ત્રણ વાર યોજના હેઠળ કરાર કરવાની મહેતલ લંબાવી આપી હતી.
આ યોજના હેઠળ ખેડૂતો અને રોકાણકારો સાથે યુનિટદીઠ રૂા. 2.83ના ભાવે સોલાર પાવર ખરીદવાના કરાર કર્યા હતા. તેની સાથે જ તેમને 35 ટકા કેપિટલ સબસિડી અને લોન પર ચૂકવવાના થતાં વ્યાજમાં 7 ટકાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ 4000 લોકોએ કરાર કરીને 2500 મેગાવોટ વીજળી પેદા કરવા માટે રૂા.10,000 કરોડનું રોકાણ કરવાની તૈયારી કરી લીધી તે પછી ગુજરાત સરકારે એકાએક ગુલાંટ મારી હતી.
ગુજરાત સરકારે ત્રીજી જુલાઈ 2021ના દિને આ યોજના હેઠળ કોઈ જ સબસિડી આપવામાં આવશે નહિ તેવો નિર્ણય લઈને રોકાણકારો સાથે દગો કર્યો હતો. સરકારના આ નિર્ણયને પરિણામે ગુજરાતમાં રૂા.10,000 કરોડનુ ંરોકાણ કરવા તૈયાર થયેલા લોકોને રૂા. 2200 કરોડનું નુકસાન થયું છે.
સોલાર પાવર માટે રોકાણ કરનારાઓનું કહેવું છે કે સરકારે આંબા આંબલી બતાવીને રોકાણકારોને આકર્ષ્યા પછી તેમને અદ્ધર લટકાવી દીધા છે. પહેલા કરાર કરવા માટે સરકારે મેળાવડાઓ યોજીને સંભવત: વિશ્વ બૅન્ક તરફથી સોલાર પાવર પ્રોડક્શન માટે મળનારા કહેવાતા આર્થિક લાભ લઈ લીધા છે. હવે રોકાણકારો સાથે દગો કરી રહી છે. ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા આવનારાઓ ગુજરાત સરકાર પર હવે પછી વિશ્વાસ કરશે નહિ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gIUDDL
via IFTTT
Post a Comment