
- એનપીએસમાં બૅન્કનો ફાળો 10 ટકાથી વધારી 14 ટકા કર્યો
- પટ્ટાવાળા, ક્લાર્ક અને ઑફિસર્સની વિધવાઓને મળતા પેન્શનમાં અંદાજે 30 ટકાનો વધારો થશે
અમદાવાદ : સરકારી બૅન્કના પેન્શનર્સના અવસાન પછી તેમની વિધવાઓને આપવામાં આવતા ફેમિલી પેન્શનમાં વધારો કરવાના નિર્ણયની કેન્દ્ર સરકારે આજે જાહેરાત કરી છે. છેલ્લા ૧૦ માસના બેઝિક પગારના ૧૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નવી જાહેરાતને કારણે અત્યાર સુધી રૂા. ૬૦૦૦થી ૯૦૦૦નું પેન્શન મેળવતા પટ્ટાવાળાઓની વિધવાને રૂા. ૧૨૦૦૦ કે તેનાથી વધુ ફેમિલી પેન્શન મળતું થશે. આ જ રીતે ક્લાર્કની કેટેગરીમાં આવતા અને નિવૃત્ત કર્મચારીનું અવસાન થઈ ગયું હોય અને તેમનાં પત્ની જીવિત હોય તો તેમને અત્યારે મળતા રૂા. ૧૨૦૦૦ની આસપાસના ફેમિલી પેન્શન વધીને રૂા. ૧૫૦૦૦થી ૧૮૦૦૦ની આસપાસ થઈ જશે.બૅન્કના ઉચ્ચ અધિકારીઓ સાથેની નાણાં મંત્રી નિર્મલા સીતારામનની બેઠક બાદ નાણાં સચિવ દેબાશિષ પાન્ડાએ પ્રસ્તુત જાહેરાત કરી હતી.
આ જ રીતે ઑફિસર્સ કેટેગરીના અધિકારીઓને આપવામાં આવતા ફેમિલી પેન્શન રૂા. ૧૫૦૦૦થી વધીને રૂા. ૩૦૦૦૦ કે તેનાથી વધી જશે. આ રકમ તેમની વિધવા પત્નીઓને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર અને બૅન્કના કર્મચારી યુનિયન સાથે પહેલી નવેમ્બર ૨૦૨૦ના દિને આ માટે કરાર થયા હતા. આ કરારના અનુસંધાનમાં પ્રસ્તુત જાહેરાત કરવામાં આવી હોવાનું ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેન્કટ ચલમનું કહેવું છે.
બૅન્ક કર્મચારીઓને ત્રણ સ્લેબમાં ફેમિલી પેન્શન આપવામાં આવતું હતું. આ ત્રણ સ્લેબ ૧૫, ૨૦ અને ૩૦ ટકાના હતા. તેમાં રૂા. ૯૨૮૪ની અપર લિમિટ મૂકવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t03UfD
via IFTTT
Post a Comment