
અમદાવાદમાં રોગચાળો વધુ વકરતા મ્યુનિ. તંત્ર જાગ્યું
લોકજાગૃતિ અંગે 34 પ્રચાર રિક્ષાઓને દોડતી કરી સાત ઝોનમાં ઠેર ઠેર માસ ફોગિંગની કામગીરી હાથ ધરી
અમદાવાદ : અમદાવાદમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ફાલ્સીપેરમે ભરડો લઈ લીધા બાદ સફાળા જાગીને દોડતા થયેલા હેલ્થ ખાતાએ છેલલા બે દિવસમાં 2,46,313 ઘરોની મુલાકાત લીધી હોવાનો દાવો મ્યુનિ. તંત્રએ કર્યો છે.
22306 જગ્યાએથી મચ્છરોનું બ્રિડીંગ વિપુલ પ્રમાણમાં મળ્યું હોવાનું પણ જણાવ્યું છે. 92511 સ્થળોએ ફોગિંગ પણ કરવામાં આવ્યું છે. જો કે આંકડાઓની બાબતમાં લોકો પણ હવે હેલ્થના અધિકારીનો કોરોના બાદ વિશ્વાસ કરતા નથી એ પણ એટલું જ સાચું છે.
આ અંગેની વિગતો એવી છે કે, પ્રારંભિક તબક્કે હેલ્થ ઓફિસરે અગાઉના વર્ષની સરખામણીએ મચ્છરજન્ય રોગચાળો ઓછો હોવાની આંકડાની ભ્રમજાળ રચીને ઉચ્ચ અધિકારીઓ તેમજ સત્તાધારી પક્ષના પદાધિકારીઓ સમક્ષ 'સબ સલામત'નું ચિત્ર ઉપસાવવા પ્રયાસ કર્યો હતો
પરંતુ ભારે ઉહાપોહ શરૂ થતા અને હેલ્થ કમિટી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ પણ જવાબ માગવાનું ચાલુ કરતા મોડા મોડા જાગેલા તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતા હોય તેમ દોડધામ ચાલુ કરી છે. જો હેલ્થ ઓફિસરે ખાનગી હોસ્પિટલોમાં આવતા લોહીના સેમ્લો તેમજ પોઝીટિવીટીના આંકડા મેળવવાની તસ્દી લીધી હોત તો વહેલું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હોત. વહેલા પગલા લઈ શકાયા હોત. હવે, હેલ્થ ખાતાએ 7 ઝોનમાં માસ ફોગિંગ શરૂ કર્યું છે.
લોકજાગૃતિ માટે 34 પ્રચાર રીક્ષાઓ ફરતી કરી છે, જે મચ્છરજન્ય રોગચાળા સામે રાખવી પડતી કાળજીનો પ્રચાર- પ્રસાર કરે છે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પણ કામગીરી શરૂ કરવી પડી છે. લોકોના ઘરોમાં ફુલદાની, કુંડા, ટેરેસ, ટાંકી, કુલર, ભોંયરા ચકાસવાનું શરૂ કર્યું છે. જો કે હજુ પણ દર્દીની સંખ્યાના સાચા આંકડા અને મૃત્યુના આંકડા જાહેર નહી કરાય તે પણ એટલું જ સાચુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kxvqgs
via IFTTT
Post a Comment