એશિયાટિક લાયન માટે રૂ. 1,300 કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી


સિંહો માટે 10 વર્ષનો પ્રોજેક્ટ બનાવાશે

સિંહોની વધતી સંખ્યા અને વધતા વિસ્તારથી ચિંતિત સરકારે અભયારણ્યમાં તેમના ખોરાકની વ્યવસ્થા સાથે સુરક્ષાના પગલાં લેવા આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે

ગાંધીનગર : ગુજરાતમાં સાસણ ગીરના એશિયાટીક લાયન માટે 1300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લાયનને કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ થકી ગીર અભ્યારણ્યમાં સિંહોના શિકાર અને અન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવા તેમજ દેખરેખ વ્યવસ્થા વધુ સધન બનાવવામાં આવશે. 10 વર્ષ માટેના આ પ્રોજેક્ટનું અમલીકરણ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી કરવાની છે.

પ્રોજેક્ટ લાયન માટે ગુજરાતના કેટલાક અધિકારીઓ તેમજ વન્ય પ્રાણી નિષ્ણાંતોને નિયુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે. વન વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે અમલીકરણ એજન્સી દ્વારા સિંહોને પુરતો ખોરાક મળી રહે તે માટે વન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવાનું આયોજન છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટી સહિતના વિસ્તારો કે જ્યાં સિંહોની વસતી છે ત્યાં તેમને અનુરૂપ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

સાસણ ગીર ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ સિંહોની વસતી જોવા મળે છે. પ્રોજેક્ટ લાયન પ્રમાણે ગીર જંગલમાં નિલગાય સહિતના પ્રાણીઓને આકર્ષવા માટે વૃક્ષોનું વાવેતર વધારવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શિકાર માટેની વ્યવસ્થા ઉપરાંત ખુલ્લા કુવાને ઢાંકવા, પીવાના પાણી માટે કૃત્રિમ તળાવો બનાવવા તેમજ સિંહોના સંરક્ષણની કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં નેશનલ વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટીક સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવનાર છે. જ્યારે સિંહોના મોત થાય ત્યારે તેનું ચેકીંગ કરવા તેમજ રોગચાળા સબંધિત વ્યવસ્થા ઉભી કરાશે. ગીર અભ્યારણ્યની આસપાસના ગામડાઓમાં 500થી વધુ વનમિત્રોની નિયુક્તિ કરવામાં આવશે. એટલું જ નહીં વન્ય પ્રાણી ડિવિઝન દ્વારા વધારાની ચેકપોસ્ટ ઉભી કરાશે. ગુજરાતમાં સિંહોનો વિસ્તાર અને સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

છેલ્લી ગણતરી પ્રમાણે 2015માં સિંહની સંખ્યા 523 હતી જે 2020ના અંદાજ પ્રમાણે 674 થઇ છે. કોરોના સંક્રમણના કારણે દર પાંચ વર્ષે યોજાતી સિંહોની ગણતરી થઇ શકી નથી. જો કે પૂનમ અવલોકનમાં સિંહોની સંખ્યા 700 નોંધાઇ છે. આ સિંહ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. સાસણ ગીરના સિંહો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં ફેલાયેલા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zWTDmt
via IFTTT

Post a Comment

أحدث أقدم