વટવામાં મોબાઇલ ચોરીની શંકા રાખી બે ભાઇ પર ઘાતક હુમલો ઃ એકનું મોત

અમદાવાદ,શનિવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. વટવામાં મોબાઇલ ચોરીની શંકા આધારે પાંચ શખ્સોએ બે સગા ભાઇ પર છરીથી ખૂની હુમલો કર્યો હતો, જેમાં એક ભાઇનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે ખૂન તથા ખૂનની કોશિષનો ગુનો નોેધી ફરાર પાંચ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષામાં બેસાડીને લઇ ગયા બાદ મોટાભાઇ પર છરીથી હુમલો કરી ઢોર માર માર્યો , નાના ભાઇને આડેધડ છરીના ઘા મારી રહેસી નાખી પાંચ શખ્સો ફરાર

ં વટવા વિસ્તારમાં સૈયદવાડી પાસે ઓરડી હાજી સાહેબની ચાલીમાં રહેતા મોહમંદ રિયાઝ ઇસ્ત્યાઝભાઇ શેખ (ઉ.વ.૨૯)એ  વટવામાં અલગજાની પાર્કમાં રહેતા ઇમરાન ઉમરભાઇ શેખ તથા અલસબા પાર્ક, સૈયદવાડીમાં રહેતા અબ્દુલ રઝાક અબ્દુલ ગની પઠાણ, સરફરાજ મીયાણા અને સાકીર સાબીર શેખ તેમજ ફૈઝાન  સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે રાતે ૧ વાગે  સૈયદવાડી રાજા બેકરી પાસે ફરિયાદી તથા તેનો ભાઇ મોહમદ અસ્પાક અને તેના મિત્રોે સાથે રિક્ષામાં બેઠેલા હતા, આ સમયે  ઉપરોક્ત પાંચેય શખ્સો તેમની પાસે આવ્યા હતા અને ફરિયાદીના ભાઇ તથા તેમના મિત્રો ઉપર મોબાઇલ ચોરી કર્યાનો શક -વહેમ રાખીને તકરાર કરી હતી.

એટલું જ નહી તમામને ગુલમહોર તવા પાસે લઇ ગયા હતા, પાંચેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદીને બેઝબોલની સ્ટીકથી તથા શરીરે છરીથી હુમલો કર્યો હતો. મિત્ર ઇરફાન ને પણ માર માર્યો હતો. તથા ચારેયને આમેના  મસ્જીદ પાર્ક પાસે લઇ જઇને ફરિયાદીના ભાઇ પર છરીથી જીવલેણ હુમલો કરીને  આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર હાલતમાં ફરિયાદી તથા તેમના ભાઇને મધરાતે એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે ફરિયાદીના ભાઇ અસ્પાકને  રાતે ૩ વાગે મરણ પામેલ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે ખૂન તથા ખૂનની કોશિષનો ગુનો નોેધીને સીસીટીવી  ફૂટેજ આધારે તપાસ કરીને  ફરાર પાંચ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A0fDxJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post