દોઢેક વર્ષ બાદ પૂર્વ અમદાવાદમાં આવેલા રબર ઉદ્યોગમાં તેજી આવી

અમદાવાદ,તા.24 જૂન 2021, ગુરૂવાર

કોરોનાના કેસ હવે ઓછા થતા પૂર્વ અમદાવાદમાં આવેલા રબર ઉદ્યોગમાં છેલ્લા દોઢેક વર્ષ બાદ તેજી આવી છે. પૂર્વના પટ્ટામાં ઓઢવ, રખિયાલ, અમરાઇવાડી, બાકરોલ, કઠવાડા, વટવા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં આશરે ૫૦૦ જેટલા રબરના એકમો આવેલા છે. જેઓ શરૂ થતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં વિવિધ ઉદ્યોગો હવે ધીમેધીમે બેઠા થઇ રહ્યા છે. લૉકડાઉન હટતા, કોરોના કાળમાં મૂકાયેલા પ્રતિબંધોમાં છૂટછાટો મળતા, દેશભરમાં કોરોનાના કેસ ઘટતા દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ લૉકડાઉન દૂર થતા લાંબા સમયથી બંધ પડેલા ઉદ્યોગ ધંધામાં પ્રાણ ફૂંકાયા છે. 

આ અંગે ગુજરાત રબર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી પરિન શેઠ અને કમિટી મેમ્બર રાજુભાઇ શાહના જણાવ્યા મુજબ કોવિડની બે મહામારી પછી ધીરેધીરે રબર ઉદ્યોગમાં સારી આશા સાથે નવા ઓર્ડરો આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી બંધ પડેલી રબર ઇન્ડસ્ટ્રીઝ હવે પાટા પર ચઢી રહી છે. ગુજરાતમાં રબરના ૧,૦૦૦ જેટલા એકમો આવેલા છે જેમાં ચાલીસ હજારથી વધુ લોકોને રોજગારી મળી રહી છે.

રબરના રો-મટિરીયલમાં અગાઉ બમણો ભાવ વધારો થયો હતો હવે તેમાં નોંધપાત્ર ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે દેશ-વિદેશના બજારો ખૂલતા, કાચો માલસામન અને નવા ઓર્ડરો આવવા લાગતા રબર ઉદ્યોગના કારખાનાઓમાં  આ મહિનાથી કામકાજ શરૂ થયું છે.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને અંકલેશ્વરમાં રબર ઉદ્યોગ આવેલા છે.  તેમાંથી સૌથી વધુ અમદાવાદમાં ૫૦૦થી વધારે એકમો છે. જેમાં ૧૩ હજાર લોકો રોજગારી મેળવી રહ્યા છે. પૂર્વના પટ્ટામાં વસતા અને રબર ઉદ્યોગમાં કામ કરતા હજારો લોકોને લૉકડાઉન બાદ ફરીથી રોજગારી મળતી થઇ છે. વતન જતા રહેલા કારીગરો પણ હવે પરત આવી રહ્યા છે.

રબર ઉદ્યોગમાં તેજી આવતા તેની સાથે સંકળાયેલા ડાય ઉદ્યોગ, ટેક્સટાઇલ્સ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં પણ તેજી આવી છે. અમદાવાદમાંથી દેશ-વિદેશમાં રબરના વિવિધ પાર્ટ્સ સપ્લાય કરતા તેમજ રબર ઉદ્યોગને રો મટિરિયલ્સ પુરૂ પાડતા સપ્લાયર્સોમાં પણ આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vV2H8X
via IFTTT

Post a Comment

أحدث أقدم