અમદાવાદ,તા.24 જૂન 2021, ગુરૂવાર
અજિત મીલ પાસે ગટરો ઉભરાતા એક સાઇડનો આખો રોડ ગંદા પાણીથી ખદબદી રહ્યો છે. ગઇકાલે બુધવારે રાત્રે એકાએક ગટરો ઉભરાતા તેનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા એક સાઇડનો રોડ બંધ થઇ ગયો હતો. વાહનચાલકોએ બીઆરટીએસ રૂટ પરથી પસાર થવાની ફરજ પડી હતી. આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારોના રહીશોએ અસહ્ય ગંદકી, દુર્ગંધથી આખી રાત પરેશાની ભોગવવી પડી હતી.
દર ચોમાસામાં એકાદ ઇંચ વરસાદમાં જ અજિત મીલ ચાર રસ્તા ખાસ કરીને કાલિન્દરી મસ્જિદથી લઇને અજિત મીલ બ્રિજ સુધીનો રોડ બીઆરટીએસ રૂટ સહિત દોઢેક ફૂટ પાણીમાં ડૂબી જતો હોય છે. ગટરો પણ વરસાદી પાણી ખેંચવામાં અસક્ષમ પુરવાર થતી હોય છે. આ સ્થિતિમાં આ રોડ પાણીમાં ગરક થતા લોકોની મુશ્કેલીઓ વધતી હોય છે.
તાજેતરમાં પડેલા વરસાદમાં પણ આ અનુભવ વાહનચાલકોને થવા પામ્યો હતો. બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે ગટરો બેક મારતા આ રોડ ફરી પાછો ગટરોના ગંદા પાણીથી ખદબદી રહ્યો છે.
લોકોએ નાછૂટકે ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. બુધવારની આખી રાત ગટરોના પાણી આ રોડ પર ઉભરાતા રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ મ્યુનિ.તંત્ર દ્વારા ગુરૂવારે સવારે જેટિંગ મશીનો ગોઠવીને ગટરોના પાણી ઉલેચવાની, ગટરો સાફ કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી.
સ્થાનિક રહીશોની માંગણી છેકે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની અને ગટરો આડેધડ ઉભરાવાની સમસ્યાનો કાયમી નિવેડો લાવવામાં આવે. સ્થાનિક દૂકાનદારોના ધંધા-રોજગારને અસર થાય છે. લોકો પાણીજન્ય રોગના ભોગ બની રહ્યા છે. પીવાનું પાણી પણ કેટલાક વિસ્તારોમાં દુષિત આવી રહ્યું છે. લોકો વિવિધ હાડમારીઓનો સામનો કરી રહ્યા છે.
કાલિન્દરી મસ્જિદથી લઇને વિરાટનગર તરફ જતો આખો રોડ પણ ઠેકઠેકાણેથી તૂટી ગયો છે. મસમોટા ખાડાઓ પડી ગયા છે. વરસાદ પડતા પાણી ભરાઇ જવાના કારણે ખાડા દેખાતા નથી તેથી વાહનચાલકો તેમાં અચાનક પડકાતા હોવાથી તેઓને નાની-મોટી ઇજાઓ થતી હોય છે. આ આખા રોડનું પેચવર્કનું કામ કરવામાં આવે તેવી પણ માંગણી રહીશો કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wWpJ0v
via IFTTT
إرسال تعليق