અમદાવાદ,તા.27 જૂન 2021, રવિવાર
મણિનગર ગોરના કુવા પાસે આવેલા જીવન એપાર્ટમેન્ટમાં રહેતા રાઠોડ અપાગે નામના ૧૯ વર્ષની ઉંમરના યુવાનનું બાયડ તાલુકાના ઝાંઝરી ધરામાં ડૂબી જતા મોત થયું હતું. રવિવાર હોવાથી બે મિત્રો સાથે તેઓ ઝાંઝરી ગયા હતા. જ્યાં સવારે ૧૦ વાગ્યે આ દુર્ઘટના સર્જાઇ હતી. યુવાન તેમના મા-બાપનો એકનો એક દિકરો હતો. પિતા સીએનઆઇ ચર્ચ ખોખરામાં પાદરી હોવાનું અને માતા સિવિલ હોસ્પિટલમાં નર્સ હોવાનું જાણવા મળે છે.
પૂર્વ અમદાવાદમાં આજે અરેરાટીપૂર્ણ ઘટના બની હતી. જેમાં રાઠોડ અપાગે ચંદ્રવદન ે રવિવારની રજા હોવાથી તેના બે મિત્રો કામતે અને પ્રિન્સ રાઠોડ સાથે બાઇક અને એક્ટિવા લઇને અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ઝાંઝરી ખાતે ફરવા ગયા હતા.
વહેલી સવારે ઘરેથી નીકળી ગયેલા મિત્રો સવારે ૧૦ વાગ્યાની આસપાર ઝાંઝરીના ધરા પાસે આવ્યા હતા. રાઠોડ અપાગે નહાવા પડયો હતો. પરંતુ ધરો ઉંડો હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસો કરાય તે પહેલા જ તેનું ડૂબી જતા મોત થયું હતું.
સ્થાનિક તરવૈયાઓની મદદથી તેની લાશને બહાર કાઢીને બાયડના સરકારી દવાખાને પીએમ માટે લઇ જવાઇ હતી. તેમના સ્વજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અપાગે રાઠોડ મણિનગરની નેલ્સન સ્કૂલમાં ધોરણ ૧૨ માં ભણતો હતો. તેના પિતા ચંદ્રવદન રાઠોડ સીએનઆઇ ખોખરા મણિનગર ચર્ચમાં પાદરી તરીકે ફરજ બજાવે છે.
જ્યારે માતા આનંદીબહેન સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. રાઠોડ દંપતિને અપાગે નામનો પુત્ર અને સ્તૃતિ નામની પુત્રી હતી. હાલ આ પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.
તેમને એકનો એક પુત્ર હતો. જેના અકાળે મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. નોંધપાત્ર છેકે અમદાવાદીઓ માટે બાયડ તાલુકાનું ઝાંઝરી એક પ્રિય પર્યટન સ્થળ છે. અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો ત્યાં ફરવા જતા હોય છે. ઝાંઝરીનો ધરો ઉંડો અને જામખી હોવાથી દર બે-ચાર વર્ષે કોઇનો ભોગ લેતો હોય છે.
અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આ ધરામાં ડૂબી જતા લોકોના મોત થઇ ચૂક્યા છે. ઝાંઝરીના આ ધરાને વધુ સુરક્ષાત્મક બનાવવામા ંઆવે, તરવૈયાઓની ટીમોને કાયમ માટે તૈનાત રાખવામાં આવે તેમજ ડૂબી જવાની કોઇપણ ઘટનામાં તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરીને લોકોનો જીવ બચાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vVoqO1
via IFTTT
Post a Comment