
નીટ,જેઈઈ-ગુજકેટ ઓગસ્ટમાં લેવાનાર હોવાથી
પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ દિવાળી સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે : બીજા સત્રથી પ્રથમ સત્રનું શિક્ષણ શરૂ થાય તેવી સ્થિતિ
અમદાવાદ : ધો.12 સાયન્સ પછીના ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની જેઈઈ,નીટ અને ગુજકેટ સહિતની પ્રવેશ પરીક્ષાઓ ઓગસ્ટમાં થનાર છે ત્યારે આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે અને એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ કરવા પડશે. દિવાળી બાદ શરૂ થતા બીજા સત્રમાં પ્રથમ સત્ર શરૂ કરવુ પડશે.
કોરોનાને લીધે ગત વર્ષે એપ્રિલ-મેને બદલે જુલાઈ-ઓગસ્ટમાં પરીક્ષાઓ લેવાઈ હતી.મોટા ભાગની તમામ પ્રવેશ પરીક્ષાઓ ઓગસ્ટમાં થઈ હતી અને સપ્ટેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડી હતી. ત્યારે આ વર્ષે પણ મોડા પ્રવેશ શરૂ થશે. ઈજનેરીમાં તો એઆઈસીટીઈ દ્વારા 15 સપ્ટેમ્બરથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી શિક્ષણ કાર્ય શરૂ કરવા ટાઈમ ટેબલ જાહેર કરાયુ છે પરંતુ ઈજનેરી પ્રવેશ માટેની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાનાર જેઈઈ મેઈનની બંને તબક્કાની પરીક્ષા હજુ બાકી છે.
ઉપરાંત તારીખ પણ જાહેર કરાઈ નથી.જ્યારે મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની યુજી નીટ પણ ક્યારે લેવાશે તે સ્પષ્ટ નથી.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કેન્દ્રની સૂચના ન મળતા હજુ સુધી આ પરીક્ષાઓની તારીખો જાહેર થઈ નથી.જ્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પણ હજુ લેવાઈ નથી અને જે ઓગસ્ટમાં લેવાય તેવી શકયતા છે.
કારણકે 15 જુલાઈથી રીપિટરોની પરીક્ષા છે.જેથી ઓગસ્ટમાં જ પરીક્ષા થશે.ઈજનેરીમાં પ્રવેશ માટેની બે વારની જેઈઈ મેઈન પરીક્ષઆ બાદ આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પણ લેવાશે અને તે પણ મોડી લેવાશે.નીટ-જેઈઈમાં લાખો વિદ્યાર્થીઓ દેશભરમાં પરીક્ષા આપનાર છે.
આમ તમામ પ્રવેશ પરીક્ષાઓ જુલાઈ બાદ થવાની હોવાથી આ વર્ષે પણ ટેકનિકલ-પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં મોડા પ્રવેશ થશે અને શૈક્ષણિક વર્ષ ગત વર્ષની જેમ જ ખોરવાશે.દિવાળી સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે અને પ્રથમવર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય દિવાળી બાદ જ વિધિવત શરૂ થશે.આ વર્ષે પણ સરકારે દિવાળી વેકેશન 21 દિવસનું રાખ્યુ છે અને દિવાળી સુધી ત્રીજી લહેરના ભય વચ્ચે કોલેજો રેગ્યુલર પણ શરૂ ન થાય તેવી ચર્ચા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qhsk2P
via IFTTT
إرسال تعليق