ખોખરા મ્યુનિ.સ્લમ ક્વાટર્સના મકાનોનું રિડેવલોપમેન્ટ હાથ ધરાયું

અમદાવાદ,તા.28 જૂન 2021, સોમવાર

ખોખરા મ્યુનિ.સ્લમ ક્વાટર્સના ૭૩૨ મકાનોના રિ-ડેવલોપમેન્ટની સરકાર દ્વારા મંજૂરી મળી જતા રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ જવા  પામી છે. છેલ્લા ચારેક દિવસથી રહીશોએ મકાનો ખાલી કરવાનું પણ શરૂ કરી દીધું છે. નોંધપાત્ર છેકે આશરે ૬૫ વર્ષ જુના આ અતિ જર્જરિત મકાનોમાં લોકો જીવના જોખમે રહેતા હતા. અગાઉ નાના-મોટા અકસ્માતના બનાવો પણ બની ચૂક્યા છે.  

પૂર્વ અમદાવાદમાં વર્ષો જુના અનેક મકાનો અને સોસાયટીઓ તેમજ હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત બની ગયા છે. અને તેનુ આયુષ્ય પુરૂ કરી ચૂક્યા છે. જર્જરિત મકાનોએ અનેક નિર્દોષ લોકોના જીવ પણ લઇ લીધા છે. ચોમાસામાં આવા મકાનો વધુ જોખમી બનવાની સંભાવના રહેલી છે.

રહીશોના મતે ખોખરા સ્લમ ક્વાટર્સના મકાનોનું રિડેવલોપમેન્ટ હાથ ધરાયું છે. રહીશોને  ભાડાના ચેક લઇને મકાનો ખાલી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દશ માળના ટુ બીએચકે ના મકાનો બનનાર હોવાનું રહીશોનું કહેવું છે. 

રહીશોની માંગણી છેકે પૂર્વ અમદાવાદમાં અમરાઇવાડી સ્લમ ક્વાટર્સના મકાનો, હાટકેશ્વર એકતા એપાર્ટમેન્ટના મકાનો, હરિપુરા ધીરજ હાઇસિંગના મકાનો, હાટકેશ્વરમાં ઋષિકેશનગર, કઠવાડામાં ઇન્દિરા વસાહત હુડકોના મકાનો, લાંભામાં ઇન્દિરાનગર સહિતના વર્ષો જુના જર્જરિત મકાનોના રિડેવલોપમેન્ટની કામગીરી પણ સત્વરે હાથ ધરવામાં આવે કે જેથી જીવના જોખમે રહેતા  હજારો રહીશોને સારુ અને સુરક્ષિત ઘર આપી શકાય અને તેમના જાનમાલની રક્ષા કરી શકાય.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h8jS1m
via IFTTT

Post a Comment

أحدث أقدم