અમદાવાદ,તા.28 જૂન 2021, સોમવાર
ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે મ્યુનિ.તંત્ર દ્વારા ઓઢવ જીઆઇડીસીમાં આવેલી 'જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ'ને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પૂર્વ ઝોનના ઇજનેર વિભાગની તપાસમાં કેમિકલયુક્ત પાણી સીધે સીધે રોડ પર ઠાલવી દેવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઇને આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરાઇ છે.
આ અંગે પૂર્વ ઝોનના ઇજનેર ખાતાના જણાવ્યા મુજબ ગત તા. ૨૨ જૂનના રોજ વરસાદને લીધે જીઆઇડીસી રોડ નં.૫૮ માં વરસાદી પાણી રોડ પર ભરાયું હતું. તેમાં કેમિકલયુક્ત પાણી પણ જણાઇ આવ્યું હતું. જેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાંથી રોડ પર પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાઇ આવ્યું હતું.
જેને લઇને આ એકમનો પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવા નોટિસ આપવામાં આવી છે. નોંધપાત્ર છેકે ખારીકટ કેનાલમાં જીઆઇડીસીઓના ઔદ્યોગિક એકમો દ્વારા બેફામપણે કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા હોય છે. આ અંગેની સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદો છતાંય કોઇ પગલા લેવામાં આવતા નથી.
ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના વીડિયો અને ફોટોઓ સાથે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવતી હોવા છતાંય કોઇ પગલા ન લેવાતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ મામલે સ્થાનિક આગેવાન કપિલ દેસાઇ દ્વારા કેન્દ્રિય પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જેના અનુસંધાને કેન્દ્રિય પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને આ મામલે તપાસ અને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
નોંધપાત્ર છેકે પૂર્વ અમદાવાદમાં ખારીકટ કેનાલ સિંચાઇની કેનાલ મટીને ખૂલ્લી ગટર બની ગઇ છે. જેમાં આડેધડ ગટરના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. નરોડા, ઓઢવ, વટવા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. આ બાબત ગંભીર છે અને કેનાલના પટ્ટામાં વસતા હજારો રહીશોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. કેનાલમાં ગેરકાયદે થઇ ગયેલા ગટર લાઇનના જોડાણો કાપવા જોઇએ તેવી માંગણી ઉઠવા પામી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qymPwP
via IFTTT
إرسال تعليق