અમદાવાદ,તા.2 જૂન 2021, બુધવાર
વિરાટનગરમાં પૂર્વ ઝોનની મ્યુનિ.કચેરી સામે આવેલા ગાંધીપાર્કમાં છેલ્લા પંદરેક દિવસથી પીવાનું પાણી દુષિત આવી રહ્યું છે. જેના કારણે મોટાભાગના રહીશો ઝાડા-ઉલટીમાં પટકાયા છે. રહીશોના મતે ગટર લાઇનમાં પાણીની લાઇન ભળી જતા આ
દુષિત પાણી આવી રહ્યું છે. પાણીની લાઇન ગટરમાં થઇને પસાર થઇ રહી છે જેના કારણે લાઇન લીકેજ થતા આ સમસ્યા સર્જાઇ છે.
વિરાટનગર રોડ પરની ગાંધીપાર્ક સોસાયટીમાં ૩૦૦ મકાનોના રહીશો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે.આ અંગે સ્થાનિક અગ્રણી રણજીતસિંહ બારડના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા કોર્પોરેટરના બજેટમાંથી ૧૫ લાખના ખર્ચે આ સોસાયટીમાં પીવાના પાણીની નવી લાઇન નાંખવામા ંઆવી હતી. જેમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને મ્યુનિ.અધિકારીઓની ઉદાસીનતાને કારણે પાણીની લાઇન ગટરની ચેમ્બરમાંથી પસાર કરી દેવાઇ હતી.
આ મોટી ભુલનું પરિણામ હાલ લોકો ભોગવી રહ્યા છે. ખોદકામમાં ખબર પડી કે ગટરમાંથી પીવાના પાણીની લાઇન પસાર થઇ રહી છે આથી પીવાની પાણીની લાઇનમાં દુષિત પાણી આવી રહ્યું છે. બીજી બાજુ તે ગટરનું પાણી રોડ પર ઉભરાઇ રહ્યું છે. રહીશોની રજૂઆત બાદ મ્યુનિ.અધિકારીઓ દોડી આવ્યા હતા અને તેઓએ ગટરમાંથી પાણીની લાઇન બહાર કાઢવાની કામગીરી હાથ ધરી દીધી છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો આરંભી દેવાયા છે.
સોસાયટીના રહીશ પંકજ પટેલના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા ગટરની ચેમ્બરમાં હોલ પાડીને બારોબાર પાણીની લાઇન પસાર કી દેવાઇ હતી. જેમાં ચેમ્બરની મરામર યોગ્ય રીતે થઇ ન હોવાથી ગટરનું પાણી ઉભરાઇને બહાર આવતું હતું. તેમજ પાણીની લાઇનમાં લીકેજ હોવાથી ગટરનું પાણી સીધું ડી લાઇનમાં પહોંચતું હતું.
સોસાયટીમાં ડી લાઇનના મકાનોમાં પાણી પહોંચતું ન હોવાથી આ નવી પાણીની લાઇન નંખાઇ હતી. તે તમામ ઘરોમાં દુષિત પાણી આવી રહ્યું છે.મ્યુનિ.અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે રહીશોને ભોગવવાનું આવ્યું છે. વારંવાર ખોદકામ થયા કરે છે. રહીશોના ઓટલાઓ પણ તોડી નંખાય છે. ખોદકામ બાદ રોડ રિસરફ્રેશ કરવામાં આવતો નથી. આશરે ચારેક વખત ખોદકામ થયા છે. રહીશો ત્રાસી ગયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vLzDkV
via IFTTT
Post a Comment