
કૃષિબિલના વિરોધમાં ગુજરાતમાં ફરી સળવળાટ
ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, દાહોદ, રાજકોટમાં ખેડૂતોએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો, ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા
અમદાવાદ : કૃષિબિલના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાએ રાજભવન ઘેરવા ચિમકી આપી હતી જેના પગલે પાટનગર ગાંધીનગરમાં ય રાજભવનની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જયારે રાજભવન તરફ જતા માર્ગો બંધ કરી વાહનોનુ સઘન ચેકિંગ કરવામાં આવ્યુ હતું.
જોકે, પોલીસે રાજકોટ સહિત જુદા જુદા જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજરકેદ કર્યા હતાં. ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલનના એંધાણ વર્તાયા છે. ત્રણ કુષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર છેલ્લા સાતેક મહિનાથી આંદોલન ધમધમી રહ્યુ છે. કોરોનાના કારણે મંદ પડેલું આંદોલન ફરી વેગવંતુ બન્યુ છે. સંયુક્ત કિસાન મોરચાએ દેશના બધાય રાજભવનને ઘેરવા એલાન કર્યુ હતું.
ગુજરાતમાં ય ખેડૂત આગેવાનોની અંદરખાને બેઠક મળી હતી જેમાં તા.26મીએ વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ હતું. પાટનગર ગાંધીનગરમાં ય ખેડૂતો રાજભવન સુધી પહોંચે તેવી ભીતિને પગલે એસઆરપીની ટુકડીઓ સહિત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રાજભવનની આસપાસનો વિસ્તાર જાણે પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
એટલું જ નહીં, રાજભવન તરફ જતા તમામ માર્ગો પર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યુ હતુ અને ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. આ તરફ, ખેડૂત આગેવાનોએ દાવો કર્યો હતો કે, રાજકોટ, ભાવનગર, દાહોદ, સાબરકાંઠા અને અમરેલી સહિતના વિસ્તારોમાં ખેડૂતો કૃષિબિલના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યો હતા.
આ ઉપરાંત રાજકાટ,સાબરકાંઠા અને અરવલ્લીમાં ખેડૂત આગેવાનો ને દિવસભર નજરકેદ કરાયા હતાં. ખેડૂત આગેવાનોનુ કહેવુ છેકે, પોલીસ સત્તાના જોરે ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે પણ આગામી દિવસોમાં ખેડૂતો કૃષિ આંદોલનના સમર્થનમાં કાર્યક્રમ ઘડશે. ગુજરાતમાં ફરી એકવાર કૃષિ આંદોલનનો ધમધમાટ શરૂ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h7NFHC
via IFTTT
إرسال تعليق