અમદાવાદ, શુક્રવાર
કડીમાં મહાકાળી મંદિરમાં એનઆરઆઈ ટ્રસ્ટી અને સાધ્વી સહિત ચાર જણાની હત્યા કરી મંદિરમાંથી ૧૦ લાખના દાગીનાની લુંટ ચલાવનારી મહિલાની ક્રાઈમ બ્રાંચે દિલ્હીથી અટક કરી છે. આરોપી મહિલા છેલ્લા ૧૭ વર્ષથી વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું હતું. સરકારે આ કેસમાં ૫૦ હજારના ઈનામની જાહેરાત પણ કરી હતી.
ક્રાઈમ બ્રાંચે આ કેસમાં રાજકુમારી ઉર્ફે ડિસ્કોની દિલ્હીથી અટક કરી હતી. આ બનાવની વિગત મુજબ કડી તાલુકાના ઉટવા ગામની સીમમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. જેમાં એનઆરઆઈ ટ્રસ્ટી ચીમનભાઈ એસ.પટેલ પુજા કરતા હતા. બનાવના છ મહિના પહેલા જ તેઓ અમેરિકાથી કડી આવ્યા હતા. દરમિયાન ૨ માર્ચ ૨૦૦૪ની રાત્રે હત્યા અને લુંટનો આ બનાવ બન્યો હતો. જેમાં ચીમનભાઈ પટેલ, સાધ્વી માતાજી સમતાનંદ પુર્ણાનંદ સરસ્વતી અને બે સેવક મોહનભાઈ વી.લુહાર અને કરમણભાઈ આર.રાવળીયાની હત્યા કરાયેલી લાશો મળી આવી હતી. ચીમનભાઈની લાશ મંદિરની ઓફિસમાંથી, સાધવીની લાશ આશ્રમના બાથરૃમમાંથી અને સેવકોની લાશ આશ્રમના બંધ રૃમમાંથી મળી આવી હતી. તે સિવાય મંદિરમાંથી દસ લાખથી વધુના સોના ચાંદીના દાગીના તથા અન્ય ચીજોની લુંટ કરવામાં આવી હતી.
આ આશ્રમમાં મહેન્દ્રસિંહ અને તેની પત્ની રાજકુમારી આશ્રમના એક રૃમમાં રહેતા હતા અને ગુનામાં ઉપયોગમાં લેવાયલું ધારીયું તે સમયે મળી આવ્યું હતું.તપાસમાં મહેન્દ્રસિંહનું સાચુ નામ ગોવિંદસિંહ હોવાનું જણાયું હતું. હત્યા બાદ પતિ પત્ની ફરાર થઈ ગયા હતા. તે સમયે આરોપીઓની માહિતી આપનારને ગુજરાત સરકારે રૃ.૫૦,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી.
અગાઉ એટીએસ ગુજરાતે જલેક મહિના પહેલા વોન્ટેડ ગોવિંદસિંહ નંદરામ યાદવની ધરપકડ કરી હતી પરંતુ તેની પત્ની રાજકુમારી પકડાઈ ન હતી. તપાસમાં ગોવિંદસિંહ તેની પડોશમાં રહેતી રાજકુમારી ઉર્ફે ડિસ્કો ઉર્ફે સરોજને ભગાડીને લાવ્યો હતો અને ગુજરાતમાં કોટા નામથી રહેતા હતા. તેઓ કડીના મોતીબા આસ્રમમાં હત્યા વીસેક દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા. તે વખતે ગોવિંદસિંહે તેનું ખોટુ નામ રોહિતસિંગ જણાવ્યું હતું. હત્યા બાદ આરોપીઓ કડીથી , ઝાંસી,ઓરાઈમાં મજુરી કામ કર્યા બાદ દિલ્હીમાં નામ બદલીને મહેન્દ્રસિંહ તથા સરોજના નામથી રહેતા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qDIJPj
via IFTTT
إرسال تعليق