અમદાવાદનાં મોટાભાગના કેન્દ્રો પર 'નો વેક્સિન'નાં પાટિયાં લાગ્યા


કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો

40થી 45 હજારની માગ સાથે સરકારમાંથી આવતી 20થી 22 હજાર વેક્સિન : ઠેર ઠેર ભીડના લીધે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

અમદાવાદ : અમદાવાદમાં કોરોના સામેની લડતના ભાગરૂપે 21મીથી કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે. જેના પાંચ-છ દિવસમાં જ વેક્સિનની તિવ્ર તંગી સર્જાવા માંડતા મહત્વાકાંક્ષી અભિયાનનો ફિયાસ્કો થવા માંડયો છે. શહેરમાં 400 જેટલાં વેક્સિનેશન સેન્ટરો શરૂ કરવાના હતા,

તેની સામે 300 જેટલાં શરૂ થઇ શક્યા હોવાનું કહેવાય છે, જ્યારે રોજના એક લાખ લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરાઈ હતી, તેની સામે 35થી 40 હજારને જ આપી શકાય છે. એમા પણ છેલ્લા બે દિવસથી તો મોટાભાગના વેક્સિનેશન કેન્દ્રો પર 'વેક્સિનનો સ્ટોક નથી'ના પાટિયા લટકતાં થઇ ગયા છે.

મ્યુનિ.ના કેટલાંક વેક્સિનેશન કેન્દ્રો તો ાજે ખુલ્યા જ નથી અને જે ખુલ્યા હતા ત્યાં ભીડના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેમણે પહેલો ડોઝ લઇ લીધો અને 84 દિવસ થઇ ગયા હતા તેમને બીજા ડોઝનો મેસેજ આવી ગયો હતો, તેવા લોકો એક કેન્દ્રથી બીજા કેન્દ્ર પર રીતસરના ભભટકતાં હતાં. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જોધપુર, વેજલપુર, સંકલિત નગર, સરખેજ, નવા વેજલપુરના વેક્સિનેશન સેન્ટરો 9ના બદલે 11 વાગ્યે શરૂ થઇ શક્યા હતા.

જ્યારે ઉત્તર પશ્ચિમઝોનમાં મ્યુનિ. સ્કુલોમાં શરૂ કરાયેલાં વેક્સિનેશન કેન્દ્રો બંધ હતા. દક્ષિણ ઝોનમાં ખોખરા, મણીનગર સહીત સ્કૂલોના તમામ કેન્દ્રો બંધ હતાં. જેના કારણે બાકીના કેન્દ્રોમાં બૂમ પડી હતી અને ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પાલડી ફતેહપુરાના સેન્ટરમાં 9 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા હતા.

દોઢ કલાક બાદ જાહેરાત કરાઈ હતી કે બીજો ડોઝ લેવાનો હોય તેમને વેક્સિન નહીં મળે. જે સાંભળી લોકો રોષે ભરાયા હતા અને ઉશ્કેરાટ વધી ગયો હતો. બાદમાં સેનટ્રના સંચાલકોએ નમતું જોખીને વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. જો કે ધક્કામુક્કી અને સોશ્યલ ડિસ્ટન્ટસના નિયમના ખુલ્લેઆમ ધજાગરાં ઉડતાં હતાં. ટોકન અને અન્ય રીતે વ્યવસ્થા જળવાય તે માટે કોઈ આયોજન જ ના હતું.

મ્યુનિ.ની રોજની વેક્સિનની જરૂરિયાત 40થી 45 હજારની છે, તેની સામે માત્ર 20થી 22 હજાર જ મળે છે. 50 ટકા કાપ હોવાથી વેક્સિનેશન કેન્દ્રોને અપાતી વેક્સિનમાં મોટો કાપ મુકાયો છે, જેના પગલે ઠેર ઠેર હોબાળા થાય છે. વૃધ્ધ લોકોને અહીંથી તહીં ફેરવતા નાગરિકોમાં આક્રોશ જોવા મળતો હતો. વેક્સિનના પુરતાં સ્ટોક બાદ જ આવા અભિયાનની જાહેરાત કરવી જોઇએ, તેવી ટીકાં પણ સામાન્ય લોકો કરતાં જોવા મળ્યા હતાં.

મ્યુનિ. એ સરકારમાં કરેલી લેખિત માગણી

અમદાવાદના વેક્સિનેશન કેન્દ્રો પર ઉભી થયેલી વેક્સિનની તંગીને નિવારવા માટે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ વધુ વેક્સિન ફાળવવા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. જો કે કેન્દ્રમાંથી જ વેક્સિનનો ઓછો જથ્થો મળતો હોવાથી રજૂઆત કેટલી ફળદાયી નિવડશે તે સવાલ છે.

શનિ-રવિની રજાના કારણે ભીડ વધુ હતી

ત્રીજી લહેરની બીક છે અને લોકોમાં જાગૃતિ પણ આવી ગઈ છે, એટલે લોકો વેક્સિન મુકાવવા ઉત્સુક છે. આજે ચોથો શનિવાર હોવાથી સરકારી ઓફિસોમાં અને બેંકોમાં રજા હતી. એકાદ દિવસ તાવ આવે તો આવતીકાલ રવિવાર રજાનો દિવસ મળી જાય.

એ ગણતરીથી આજે વેક્સિનેશન કેન્દ્રો પર ભીડ વધુ હતી અને બીજી તરફ વેક્સિનનો સ્ટોક નાહતો એટલે લોકોમાં અસંતોષ ફાટી નિકળ્યો હતો. એક નાગરિકે તંગી અંગે પૂછ્યું તો વેક્સિનેશન કેન્દ્રના સંચાલકે કહ્યું રાજ્ય સરકારમાંથી જ વેક્સિનના ડોઝ ઓછાં આવે છે, રોષે ભરાયેલા નાગરિકે કહ્યું, રાજ્ય સરકારને કહીશું તો તે કેન્દ્ર સરકારનું નામ આપશે. તો પછી અમારે જવું ક્યાં તે કહો ને ?

વેજલપુરના ધારાસભ્યએ કરેલા આયોજનમાં થયેલી ધક્કામુક્કી

કોરોના સામેની વેક્સિન લેવા લોકોની ઉત્સુકતા વધી છે, ત્યારે વહિવટી તંત્રની વ્યવસ્થાનો પનો ટૂંકો પડી રહ્યો છે. દરમ્યાનમાં આજે સાનિધ્ય પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયુંહતું. જેમાં ટોકન સિસ્ટમ ના હોવાથી પ્રારંભિક તબક્કે ભીડના લીધે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

સોશ્યલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરાં ઉડયાં હતાં. જો કે થોડાં સમયની ધક્કામુક્કી બાદ મહામહેનતે લોકોની લાઈન થઇ શકી. આવી ભીડમાં તો 'વેક્સિન લેવા ગયા અને કોરોના લઇને આવ્યા' જેવો ઘાટ ઉભો થઇ શકે. અન્ય વિસ્તારોના જે કેન્દ્રો ચાલુ હતા ત્યાં પણ ભીડને કંટ્રોલ કરવા કોઈ વ્યવસ્થા જ ના હતી. આવી ભીડ જ ત્રીજી લહેરને નોતરશે તેમ, આ જોનાર જાગૃત નાગરિકો કહેતાં હતાં.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yaSc39
via IFTTT

Post a Comment

أحدث أقدم