
GSTની સિસ્ટમને 4 વર્ષ પૂરા થવા આવ્યા છતાં
બે પાર્ટીઓના ઇન્વોઈસ નંબર પણ મેચ થતાં જ ન હોવાથી રિફંડ મેળવવામાં ઊભી થઈ રહેલી સમસ્યા
અમદાવાદ : ગુડ્સ એન્ડ સવસ ટેક્સના જીએસટીઆર-3બીના માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવામાં દરેક કોમોડિટીને અલગ અલગ એચએસએન કોડ એટલે કે હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચરનો કોડ આપવાનું ફરજિયાત હોવાથી માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવામાં ખાસ્સી તકલીફ પડી રહી છે.
મેન્યુફેક્ચરિંગ યુનિટ 500 અલગ અલગ વસ્તુ બનાવતી હોય તો તેના એચએસએન કોડ ફાઈલ કરવામાં ઘણો જ સમય લાગી જાય છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર, દવાની દુકાન કરિયાણાની દુકાન ચલાવનારા કે કેમિકલ્સને બિઝનેસ કરનારાઓને તકલીફ પડે છે. બીજું એચએસએન કોડમાં વિસંગતતા જણાતી હોવાથી રિટર્ન અપલોડ પણ થતાં નથી. કેટલીક આઈટેમ્સના એચએસએન કોડ આવતા જ નથી. પરિણામે રિટર્ન અપલોડ થતાં જ નથી.
જીએસટીઆર-9ના વાષક રિટર્નમાં આ વિગતો ઓટોપોપ્યુલેટેડ થવાની હોવાથી એચએસએન કોડની વિસંગતતાને કારણે વાષક રિટર્નમાં પણ તકલીફ પડી રહી છે. એચએસએન કોડની વિગતો આપવામાં રિટર્ન ફાઈલ કરનારાઓનો સમય વધુ જાય છે, કારણ કે વધુ જફા કરવી પડે છે. બિઝનેસની સિસ્ટમ અને એચએસએન કોડની સિસ્ટમ વચ્ચે મિસમેચ હોવાને કારણે વેપાર ધંધા પર પણ અવળી અસર પડી રહી હોવાનું વેપારી આલમનું કહેવું છે.
વેટનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી જ મેળવણું કરવાની સિસ્ટમ અસ્તિત્વમાં હતી. તેમાં ખરીદનાર અને વેચનારનું દરેક બિલ મેચ થવું જોઈએ. તેમ જ આઈટેમ ટુ આઈટેમ વેચાણ અને ખરીદીની વિગતો એકમેકના તાલમેલમાં હોવી જરૂરી છે. આ વિગતો હિસાબી ચોપડામાં આપેલી વિગતો સાથે સુસંગત હોવી પણ એટલી જ જરૂરી છે.
હિસાબી ચોપડાની વિગતો સાથે તેનું મેચિંગ થાય ત્યારે આખી પ્રક્રિયા પૂરી થયેલી ગણવામાં આવે છે. પરંતુ ગુજરાત હોય કો ભારત હોય આજે આ રીતે મેચિંગ કરવામાં તકલીફ પડી રહી છે. જીએસટીના અમલીકરણને પહેલી જુલાઈએ ચાર વર્ષ પૂરા થવા આવ્યા છે, તેમ છતાંય સમસ્યા ઠેરની ઠેર જ છે. જીએસટીમાં મેળવણું કરવું મુશ્કેલ છે.
વેચાણ કરનારે જીએસટીઆર 2એમાં આપેલો ઇન્વોઈસ નંબર ખરીદનારના ઇન્વોઈસ નંબર સાથે મેચ થતો જ નથી. બંને ઇન્વોઈસ જુદાં જુદાં જ જણાય છે. તેનું એક કારણ એ છે કે બંને પક્ષકાર એટલે કે ખરીદનાર અને વેચનારની ઇન્વોઈસ સ્ટોર કરવાની સિસ્ટમ અલગ અલગ નામવાળી છે. બીજી તરફ ઇન્વોઈસ નંબરથી પણ તેનું મેચિંગ થઈ શકતું નથી.
ત્રીજું, જીએસટીમાં રિફંડ મેળવવાની પણ તકલીફ મોટી જ છે. ગુડ્સ એન્ડ સવસ ટેક્સનો અમલ કરવામાં આવ્યો ત્યારે જ જીએસટી કાઉન્સિલ અને નાણાં મંત્રીએ ખાતરી આપી છે કે વેપારીઓને સાત જ દિવસમાં તેમના રિફંડ મળી જશે. આ હકીકત આજે ચાર વર્ષે પણ સાચી નથી. રિફંડ મળતાં મહિનાઓ વીતી જાય છે.
હવે બોગસ બિલિંગનું કૌભાંડ બહુ જ મોટા પાયા પર ચાલી રહ્યું છે. પરિણામે બિલની વધુ બારીકાઈથી ચકાસણી-સ્ક્ટિની કરવામાં આવી રહી છે. તેને પરિણામે રિફંડ મળવામાં વધુ ને વધુ વિલંબ થઈ રહ્યો છે. વેપારીઓના પૈસા ફરતાં રહે તે માટે તેઓ અધિકારીઓને રિફંડ વહેલા ઇશ્યૂ કરવા વિનંતી કર્યા કરે છે. તેનો ફાયદો ઊઠાવીને વેપારીઓ પાસેથી અધિકારીઓ કરપ્શન મની માગી રહ્યા છે.
પેટ્રોલિયમ પેદાશો જેવી ઘણી વસ્તુઓ હજીય વેટ હેઠળ જ છે. તેના પર એક્સાઈઝ પણ જંગી લાગે છે. પરિણામે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ઊંચા દામને પરિણામે દરેક ચીજવસ્તુઓના ભાવ ઊંચા જઈ રહ્યા છે. પરંતુ સરકાર પોતાની આવક ન ઘટે તેને માટે પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવતી જ નથી. તેમ કરવાથી મોંઘવારી ઘટતી હોવા છતાંય પ્રજાના હિત કરતાં સરકારને પોતાની આવકમાં વધુ રસ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dnZCYI
via IFTTT
Post a Comment