લોગાર્ડન હેપી સ્ટ્રીટના 27 ફૂડવાનના ભાડાં માફ કરવા મ્યુનિ.નો નિર્ણય


કોરોનાના કેર દરમ્યાન સતત સવા વર્ષથી બંધ રહેલા

સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત : એક એક વાનનું ભાડું 70 હજારથી શરૂ કરી 1.25 લાખ જેટલું નક્કી કરાયું છે

અમદાવાદ : કોરોનાના કેરની માઠી અસર લો ગાર્ડન વિસ્તારની સુખ્યાત ખાણીપીણી બજારને પણ ગંભીર રીતે પહોંચી છે. આ સ્થળે 27 ખાણી પીણીના ફુડવાન મોડી સાંજના ઉભા રહે છે. જે લોકડાઉન દરમ્યાન સંપૂર્ણબંધ હોવાથી તેમનું માસીક ભાડું માફ કરવાની સક્રીય રીતે વિચારણા શરૂ થઇ છે.

આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી છે, જે અંગે ગુરૂવારની બેઠકમાં નિર્ણય લેવાશે. આ અંગેની વિગતો એવી છે કે જુની ખાણીપીણી બજારનું હેરિટેજની થીમ ઉપર નવિનીકરણ કરાયું છે. બાદમાં ખાણીપીણીના વાન ઉભા રાખવા માટે 27 સ્થળોનું જાહેર ઓકશન થયું હતું.

આ હરાજીમાં વાનદિઠ રૂ. 70 હજારથી લઇને તે 1.25 લાખ માસીક ભાડું નક્કી થયું છે. 26 જાન્યુઆરી 2020માં તેનું લોકાર્પણ થયું હતું. સાંજ પડતાં જ લોકોની ભીડ જામવા માંડી હતી. ત્યાં જ કોરોનાનું આગમન થતા 22-3-2020થી લોકડાઉનની જાહેરાત થઇ હતી. ત્યારથી આ ખાણીપીણી બજાર હજુય ઠપ્પ છે.

તે વિધીવત પુન: શરૂ કરવામાં આવે ત્યાં સુધીના ભાડાને માફ કરવાની ભલામણ દરખાસ્તમાં કરવામાં આવી છે. અગાઉ ટીડીઓ-એસ્ટેટ વિભાગે જુની ખાણીપીણી બજાર દબાણો હટાવવાના નામે બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ ભારે ઉહાપોહ એ દબાણો શરૂ થઇ જતાં તેનું નવિનીકરણ કરી, ભાડેથી વાન ઉભા રહેવા દેવાનો નિર્ણય લેવાયો હતો.

હેપીસ્ટીટમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે, તે પણ બહુધા બંધ હોવાનું જણાય છે. આ ઉપરાંતત્યાં પગે ચાલવા માટે વોક વે અને સાયકલીંગની પણ વ્યવસ્થા કરાઈ છે. તે સમયના કમિશનરે ત્યાં ઇલેક્ટ્રીક બાઈકનું ઉદ્ધાટન કરીને તેની રાઇટ લેતા ફોટા પડાવી, સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતાં. જુની ખાણીપીણી બજારના નવિનીકરણ પાછળ મ્યુનિ.એ રૂ. 6.83 કરોડનો ખર્ચ કરી અદ્યતન રૂપ આપ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gTDzdf
via IFTTT

Post a Comment

أحدث أقدم