
રોકાણકારોના પૈસા કઈ કંપનીમાં જશે એ ચાઈનીઝ સૂત્રધારો જ જાણતાં
એક ડઝન બનાવટી કંપનીના સંચાલકો પકડાયા તેમને તો કૌભાંડની જાણ નથી ! ભૂજ પોલીસ દિલ્હીથી આરોપીને લાવશે
અમદાવાદ : પાવર બેન્ક નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 250 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં ચાઈનીઝ સુત્રધારોની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
દિલ્હીના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાધીને 100 શેલ (નકલી) કંપની ખોલવામાં આવી હતી. આ 100 નકલી કંપનીમાંથી કઈ કંપનીમાં રોકાણકારોના નાણાં ંજશે તેની વ્યવસ્થા પણ ચાઈનીઝ કૌભાંડીઓએ કરી હતી.
મતલબ કે, કરોડો રૂપિયાની હેરાફેરી થતી હતી તેનો સંપૂર્ણ અંકુશ ચાઈનીઝ કૌભાંડીઓએ પોતાની પાસે રાખ્યો હતો. અત્યાર સુધીમાં દિલ્હી, ઉત્તરાખંડ અને મુંબઈ પોલીસ એક ડઝન બનાવટી કંપનીના સંચાલકોને પકડી તો એવો ઘટસ્ફોટ થયો છે કે, તેમના આઈ.ડી. પ્રૂફ લઈને બનાવટી કંપનીઓ બનાવી લેવાઈ છે.
ભૂજમાં ચિટિંગની ફરિયાદ નોંધાઈ તેના નાણાં દિલ્હીની કંપનીમાં જમા થયાં અને આ કંપનીના સંચાલકોનો દિલ્હીથી કબજો લેવા ભૂજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના કાળમાં ઘરબેઠાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી એક કા ડબલ કૌભાંડ થકી 250 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવી રહ્યાં છે. ગુજરાતમાં ભૂજમાં એક જ પરિવારના ત્રણ લોકો રોકાણ કરી છેતરાયાંની અત્યાર સુધી ફરિયાદ થઈ છે.
તો, સુરતમાં નકલી કંપની ખોલનાર બે વ્યક્તિને ઉત્તરાખંડ પોલીસે ઝડપી લીધાં છે. ચાઈનાથી સંચાલિત નાણાંકીય કૌભાંડમાં ચોંકાવનારી બાબત એ છે કે, 100 બનાવટી કંપનીઓમાં નાણાંકીય હેરાફેરીનું સંચાલન પણ ચાઈનીઝ કૌભાંડીઓના હાથમાં જ રહેતું હતું.
આ કૌભાંડની અત:થી ઈતિ એવી છે કે, પાવર બેન્ક નામની એપ્લિકેશન ગુગલ પ્લે પર મુકવામાં આવી હતી અને સોશિયલ મિડિયાથી એની લિન્ક મુકીને લોકોને તોસ્તાન વળતરની લાલચ આપી મેમ્બર બનાવવામા આવતાં હતાં. મેમ્બર બનતાં લોકોના નાણાં ચાઈનીઝ કૌભાંડીઓએ દિલ્હીના બે સી.એ. થકી ખોલાવેલી 100 શેલ (બનાવટી) કંપનીના ખાતામાં જમા થતાં હતાં.
આ બન્ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય વ્યક્તિઓના આઈ.ડી. પ્રૂફ મેળવી લઈ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ઓનલાઈન કંપની રજીસ્ટર કરાવી દેવાઈ હતી. આ કંપનીના નામના એકાઉન્ટ બેન્કમાં ખોલાવી લઈ તેમાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયાં હતાં.
નોંધપાત્ર બાબત એ છે કે, કોઈપણ રોકાણકારના પૈસા આવે તે અલગ-અલગ ખાતાંમાં જમા થાય તેનો કન્ટ્રોલ ચાઈનીઝ કૌભાંડીઓના હાથમાં રહેતો હતો. પોલીસ સૂત્રો કહે છે કે, કૌભાંડનું મૂળ એવી પાવર બેન્ક એપ્લિકેશનનું ડેશ બોર્ડ ચાઈનામાં હતું.
ચાઈનીઝ કૌભાંડીઓ 100 એકાઉન્ટસને ટ્રીગર કરી રોકાણકાર પૈસા જમા કરાવે ત્યારે ટ્રાન્ઝેક્શન ફેઈલ ન થાય તેની તકેદારી રાખતાં હતાં. આમ, રોકાણકારોના પૈસા 100 નકલી કંપનીમાંથી કઈ કંપનીમાં જશે કે ગયાં છે તેની વિગતો ચાઈનીઝ સુત્રધારો જ જાણતાં હતાં. 100 શેલ કંપનીના સંચાલક તરીકે જેમના નામ હતા ંતે વ્યક્તિઓમાંથી મોટા ભાગના લોકો સામાન્ય નાગરિકો છે.
જો કે, કૌભાંડી કંપની તેમના નામ ખૂલી ગઈ છતાં આ બાબતે અજાણ રહેવાની બેદરકારી દાખવનાર નાગરિકો સામે પોલીસ કાર્યવાહી નિશ્ચિત બની છે. ભૂજમાં ત્રણ વ્યક્તિઓએ 45000 જેટલી રકમ ગુમાવી છે.
ભૂજમાંથી કરાયેલું રોકાણ દિલ્હીના નોઈડામાં માઉ-જાઝા નામના કંપનીના એકાઉન્ટમાં ગયાં હતાં. દિલ્હી પોલીસે આ કંપનીના સંચાલકોને ઝડપી પાડયાં છે. આ કંપનીના સંચાલક એવા આરોપીઓને દિલ્હીથી લાવી પૂછપરછ અને કાર્યવાહી કરવાની દિશામાં ભૂજ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તજવીજ શરૂ કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35RoVxX
via IFTTT
Post a Comment