
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે યોજાયેલા મતદાન દરમ્યાન શહેરના રિલીફરોડ, રતનપોળ, ગોલવાડ અને પટવા શેરી સહીતના અનેક વિસ્તારોના મતદારો મતદાન કેન્દ્રો બદલાઈ જતા રવિવારે સવારે મતદાન શરૂ થયા સમયથી બે કલાક સુધી મતદાન કેન્દ્ર શોધવામાં જ અટવાઈ પડેલા જોવા મળ્યા હતા.
બીજી તરફ રવિવારે મતદાન કેન્દ્રો રહેઠાણથી દુરના સ્થળે જવાની વ્યાપક બનેલી ફરીયાદો અને નિરસ મતદાન થઈ રહ્યુ હોવાની પરિસ્થિતિની વચ્ચે રાજકીય પક્ષો મતદાનની ટકાવારી જેમ બને તેમ ઉંચી જાય એ માટેના પ્રયાસોમાં વ્યસ્ત બની ગયા હતા.શહેરના રિલીફરોડ ઉપર તો મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે રાજકીય પક્ષો દ્વારા મતદારોને લાવવા અને મુકવા માટે ખાસ ઓટોરીક્ષાની વ્યવસ્થા કરવાની નોબત આવી પડી હતી.
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના કોટ વિસ્તારમાં આવેલા રીલીફરોડ પરની પટવા શેરીમાં આવતા પાંચ જેટલા બુથના મતદારોના બુથને નજીકમાં આવેલી ઉર્દુ શાળાના બદલ કાલુપુર ટંકશાળ વિસ્તાર સુધી લઈ જવામાં આવ્યા હોવાની ફરીયાદો વ્યાપક બની હતી.આ સાથે જેે મતદારો કાલુપુર ટંકશાળ વિસ્તારમાં વસવાટ કરે છે એમનું મતદાન કેન્દ્ર રિલીફરોડ ઉપર આવેલી મ્યુનિસિપલ શાળામાં ગોઠવવામાં આવ્યુ હોવાની બુમ પડી હતી.
ઉપરાંત રતનપોળ, ગોલવાડ, કલ્યાણભુવનમાં રહેતા મતદારોને નજીકમાં આવેલી ન્યૂ હાઈસ્કૂલ કે ન્યૂ એજયુકેશન હાઈસ્કૂલમાં મતદાન કેન્દ્ર કાર્યરત કરવાના બદલે કાલુપુર ટાવર પાસે કાર્યરત કરવામાં આવેલા મતદાન મથક ખાતે મતદાન કરવા જવાની ફરજ પડતા સ્થાનિક મતદારોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આધારભૂતસૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,એક તરફ કોરોના ગાઈડલાઈનની વાતો કરવામાં આવી હતી.ત્યારે તંત્ર તરફથી એક મતદાન બુથ ઉપર ગાઈડલાઈન પ્રમાણે મતદારોની સંખ્યા ઓછી કરવાના બદલે સ્ટાફની અનુકુળતાને ધ્યાનમાં રાખીને મતદાન કેન્દ્રોમાં એકાએક ફેરફાર કરી દેવાતા મતદાન કેન્દ્ર શોધવામાં જ મતદારો સવારે બે કલાકથી વધુના સમય સુધી ફાંફે ચઢયા હતા.ભાજપના પૂર્વ કોર્પોરેટરના કહેવા પ્રમાણે,મતદાન કેન્દ્રોની યાદી તેમને મળતા જ આ અંગે વિરોધ વ્યકત કરતો ઈ-મેઈલ પણ તેમના દ્વારા ચૂંટણી પંચને કરવામાં આવ્યો હતો.આમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા મતદારો હેરાન-પરેશાન બની ગયા હતા.
આસ્ટોડિયાનું બુથ ગીતા મંદિર ખસેડી દેવાતા રોષ
શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા સૈયદવાડાના અંદાજે બે હજાર જેટલા મતદારો છે.આ મતદારોને મત આપવા જવા માટે ગીતામંદિર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યભવનમાં ઉભા કરવામાં આવેલા ત્રણ બુથમાં મતદાન કરવાની પરિસ્થિતિ આવી પડતા મતદારોમાં નારાજગી જોવા મળી હતી.
મુસ્લિમ વિસ્તારમાં પણ નિરસ મતદાનથી કોંગ્રેસમાં દોડધામ
રવિવારે સવારથી શરૂ થયેલા મતદાન બાદ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કોંગ્રેસની જે વોટબેંક માનવામાં આવે છે એવા કોટવિસ્તારના જમાલપુર સહિતના વિસ્તારોમાં ધારણા કરતા ઓછા મતદારો મતદાન કરવા બહાર નીકળતા કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ છેલ્લી ઘડીની મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની કવાયત કરવી પડી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pCcMV7
via IFTTT
إرسال تعليق