નવા નાણાંકીય વર્ષના બજેટના ધમધમાટ વચ્ચે હજુ પણ 455 કરોડના બિલો પેન્ડિંગ

 

અમદાવાદ, તા. 26 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પુરી થઈ છે.આ સાથે જ હવે મ્યુનિસિપલ વહીવટી તંત્ર તરફથી નવા નાણાંકીય વર્ષ-2021-22 માટેના વાર્ષિક અંદાજપત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સોમવાર પહેલી માર્ચથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં નવા વાર્ષિક બજેટને તૈયાર કરવા માટેની બેઠકો શરૂ કરાશે.

મ્યુનિસિપલ વહીવટીતંત્ર સમક્ષ સૌથી મોટી સમસ્યા એ છે કે,કોરોનાની સારવાર સહિત અન્ય બાબતો પાછળ જંગી રકમનો ખર્ચ કર્યા બાદ હાલની પરિસ્થિતિમાં રૂપિયા 455 કરોડના બિલોના પેમેન્ટ આપી શકાયા નથી.આ તમામ બિલોના પેમેન્ટની ચૂકવણી રાજય સરકાર તરફથી ગ્રાન્ટ રીલીઝ થાય એ પછી જ થઈ શકે એમ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહીતી પ્રમાણે,ગત વર્ષે માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના મહામારીની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા કોરોના પેશન્ટોની સારવાર, પી.પી.ઈ.કીટ, ફૂડ પેકેટ,ઓકિસજન અન્ય દવાઓ તેમજ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોમાં રીઝર્વ રાખવામાં આવેલાં મ્યુનિ.તંત્રના બેડ ઉપર સારવાર માટે દાખલ કરવામાં આવતા કોરોના પેશન્ટોની સારવાર વગેરે જેવી બાબતો માટે થઈને અત્યારસુધીના સમયમાં કુલ મળીને રૂપિયા 650 કરોડની રકમનો ખર્ચ કર્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે માર્ચમાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરૂ થઈ એ સમયે રાજય સરકાર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે,હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવે એ પછી રાજય સરકાર થયેલા ખર્ચની રકમ ગ્રાન્ટ પેટે આપશે.સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,રાજય સરકાર તરફથી અત્યાર સુધીમાં થયેલા ખર્ચ સામે માત્ર 214 કરોડની રકમ ગ્રાન્ટ પેટે આપી છે.

છેલ્લા પંદર દિવસથી સરકારી તંત્ર સમક્ષ મ્યુનિ.વહીવટી તંત્રને એવું આશ્વાસન અપાઈ રહ્યુ છે કે,ઝડપથી બાકીની રકમ આપવામાં આવશે.પરંતુ હજુ સુધી કોરોના પાછળ થયેલા કુલ ખર્ચ સામે પુરી રકમ સરકાર તરફથી આપવામાં આવી નથી. બીજી તરફ હાલની પરીસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર તરફથી શહેરમાં રસ્તા સહિતના અન્ય વિવિધ વિકાસકામો પેટે કોન્ટ્રાકટરોને ચૂકવવાના રૂપિયા 455 કરોડના બિલોના પેમેન્ટ નાણાંકીય સ્થિતિ કથળતા ચૂકવી શકાયા નથી.

આ પરિસ્થિતિમાં સોમવારથી મ્યુનિ.તંત્રના વિવિધ વિભાગોની તબકકાવાર બેઠકોનો ક્રમ શરૂ થશે.આ બેઠકમાં આગામી નાણાંકીય વર્ષ-2021-22 માટેના મ્યુનિસિપલ કમિશનર તરફથી રજુ કરવામાં આવનારા ડ્રાફટ અંદાજપત્રને આખરી ઓપ આપવામાં આવશે.15 માર્ચની આસપાસ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરનું નવા નાણાંકીય વર્ષ માટેનું ડ્રાફટ અંદાજપત્ર રજુ કરવામાં આવે એવી પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dTZ4uC
via IFTTT

Post a Comment

Previous Post Next Post