અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ખરાખરીનો જંગ ખેલાશે


અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર 

અનેક વર્ષોથી સાબરમતી નદીની પેલે પારનો પશ્ચિમ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે. પશ્ચિમ અમદાવાદ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મ્યુનિ. તંત્રના વહીવટી દૃષ્ટિએ પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોન- એમ ત્રણ ઝોન છે, જે પૈકી ફક્ત મક્તમપુરા વોર્ડ કોંગ્રેસના પંજામાં છે, તો સરખેજમાં પંજાનું આંશિક પ્રભુત્વ છે. તે સિવાયના તમામ વોર્ડ અને જૂની બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારમાં અત્ર-તત્ર-સર્વત્ર કમળ છવાયું છે. આ ચૂંટણીમાં પણ ભાજપ માટે પશ્ચિમ અમદાવાદ પ્રજામાં એન્ટિઇન્કમબન્સી હોવા છતાં પણ જીતની દૃષ્ટિએ સલામત છે.

પશ્ચિમ અમદાવાદમાં ભાજપનું પ્રભુત્વ કોઈ પણ જાતના વાદ વિવાદ વચ્ચે  જળવાઈ રહ્યું છે. ભાજપના પરંપરાગત હરીફ કોંગ્રેસને તો આજે પણ દાવેદારોનાં ફાંફાં પડી રહ્યાં છે. તેનું મુખ્ય કારણ આ સમગ્ર વિસ્તારમાં શાસક ભાજપ સામે પ્રજામાં એક અથવા બીજા પ્રકારનો અસંતોષ હોવા છતાં હરીફ પક્ષ કોંગ્રેસની વોર્ડ સ્તરની લોકલક્ષી સમસ્યામાં દાખવવામાં આવતી નિષ્ક્રિયતા છે. કોંગ્રેસની ઘોર બેદરકારીથી આ વખતે પણ રાજકીય હાર-જીતનાં સમીકરણ જળવાઈ રહેવાનાં છે.

મ્યુનિ. ભાજપમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલથી લઈને સુરેન્દ્ર પટેલ, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ અને આઇ. કે. જાડેજા તરફી જૂથ છે. જે તે સમયે જે તે નેતા તરફી જૂથની ભાજપમાં બોલબાલા જોવા મળી જ છે. એટલે ભાજપ જૂથવાદથી ક્યારેય મુક્ત રહ્યો નથી. હાલના સમયમાં કેન્દ્રના ઉચ્ચ સ્તરના નેતાનું પ્રભુત્વ છવાયું છે અને રાજ્યના એક નેતાનું કદ ઘટ્યું છે એટલે જે તે વોર્ડની પેનલમાં જે નામનો સમાવેશ કરાશે, તેમાં છેલ્લું મતું તો કેન્દ્રના ઉચ્ચ સ્તરના નેતાનું જ લાગશે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ ફાળવણી વખતે ઘાટલોડિયા વિધાનસભા બેઠકના વોર્ડના કેટલાક કોર્પોરેટરની બાદબાકી કરાય તેવી પણ અટકળો ઊઠી છે. જોકે આરએસએસ સાથે સંકળાયેલા દેવાંગ દાણી જેવા કોર્પોરેટરને સાચવી લેવાશે. પૂર્વ મેયર બીજલ પટેલને ટિકિટ મળવાની શક્યતા દિન પ્રતિદિન ધૂંધળી થતી જાય છે. અન્ય પૂર્વ મેયર અમિત શાહ ટિકિટ મેળવે તેમ લાગે છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાંથી ચૂંટાયેલા અન્ય મેયર ગૌતમ શાહ અને મીનાક્ષી પટેલ ચૂંટણી લડવાનાં નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L8jbtc
via IFTTT

Post a Comment

أحدث أقدم