નારોલ CETPના જૂના મેનેજમેન્ટ સામે છેતરપિંડીનો કેસ: ડિરેક્ટરો ભૂગર્ભમાં


નારોલ CEPTના બોર્ડના સભ્યોએ જલગાંવ દોડવું પડયું, છ ડિરેક્ટર્સના પાસપોર્ટ જમા લીધા

(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 22 ડિસેમ્બર, 2020, મંગળવાર

નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્વેીરો મેનેજમેન્ટના જૂના બોર્ડ દ્વારા કેમિકલની ખરીદી કરીને પેમેન્ટ ન કરાતાં મહારાષ્ટ્રના જલગાંવ શહેરમાં કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં જલગાંવની પોલીસ અમદાવાદમાં આવી ચઢતાં જૂના બોર્ડના સભ્યોએ અન્ડરગ્રાઉન્ડ થઈ જવાની ફરજ પડી હતી.

આ ડિરેક્ટર્સમાં નીતિન ઠક્કર, લલિત ચમડિયા, આશિષ શાહ, દેવકી નંદન અગ્રવાલ, જયપ્રકાશ ચિરિપાલ અને નરેશ શર્માનો સમાવેશ થાય છે. આ તમામે આગોતરા જામીન લેવા માટે રવિવારે જલગાંવ દોડવું પડયું હતું. જલગાંવની સેશન્સ કોર્ટમાંતી આગોતરા જામીન લઈને પછી તેઓ જલગાંવ શહેરની પોલીસને પણ મળ્યા હતા. લગભગ બે મહિના પૂર્વે જ નિયુક્ત થયેલા નવા બોર્ડના સભ્યોને આ વિવાદ સાથે નિસબત નથી.

જલગાંવની પોલીસ અમદાવાદ આવી પહોંચતા બોર્ડના ડિરેક્ટર્સ અમદાવાદથી સીધી જલગાંવ પહોંચ્યા હતા. પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા તેમણે આગોતરા જામીનની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસ સમક્ષ હાજર થયેલા તમામના પોસપોર્ટ પોલીસે જપ્ત કરી લીધા છે. 

નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્વીરો મેનેજમેન્ટે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂા. 1.80થી 2.00 કરોડ જેટલા કેમિકલ્સની ખરીદી ઉપરોક્ત સંસ્થા પાસેથી કરી હતી. પરંતુ તેના રૂા. 44.09 લાખ બોકી હોવા છતાંય તેમણે બેલેન્સશીટમાં કોઈ જ બાકી ન હોવાનું દર્શાવીને સપ્લાયરને પેમેન્ટ ન ચૂકવાતા તેમણે જલગાંવ શહેરની પોલીસમાં ફરિયાદ કરી હતી.

સપ્લાયર કંપની મહારાષ્ટ્રના કોઈ રાજકારણીની હોવાથી પોલીસ ગુનેગારોને પકડવા માટે અમદાવાદ આવી હતી. સંસ્થાના ઑડિટરે ઑડિટ રિપોર્ટમાં ડેબિટ નોટ વિના જ પેમેન્ટ થઈ ગયું હોવાનું જણાવી શકેજ નહિ. તેથી ઑડિટરનું પ્રેક્ટિસિંગ લાઈસન્સ પણ રદ થઈ જાય તેવી શક્યતા છે. ડેબિટ નોટ વિના પેમેન્ટ થઈ ગયું હોવાનું બેલેન્સશીટમાં બતાવી શકાય જ નહિ. બેલેન્સશીટમાં ખોટી માહિતી આપવી મોટો ગુનો બને છે. 

જલગાંવ શહેરમાં આવેલી કંપની મેસર્સ ઋષભ મેટલ્સ એન્ડ કેમિકલ્સના જ્ઞાાનદેવ દેવીદાસ વાણીએ 30મી ઓક્ટોબરે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે નારોલ ટેક્સટાઈલના નીતિન ઠક્કર, દેવકી નંદર અગ્રવાલ અને શંકરભાઈ પટેલ સામે રૂા. 44,09 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જોકે શંકરભાઈ પટેલે તો 2015ની સાલમાં જ આ સંસ્થામાંથી રાજીનામું આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉપરાંત નરેશ શર્મા, દેવકીનંદર અગ્રવાલ, ડેનિયલ રિચર્ડ એખિલેશ્વર સિંગ, કમલકુમાર દયાણી, આશિષ શાહ, જયપ્રકાશ ચિરિપાલ, લલિતમોહન ચમડિયાનો પણ આ ફ્રોડમાં શામિલ હોવાનો જલગાંવ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. માલ સપ્લાય થયાના 30 દિવસમાં મોલ પેટે નીકળતા લેણા ચૂકવી દેવાની શરત હોવા છતાંય તે ચૂકવવામાં ન આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Fmxwc
via IFTTT

Post a Comment

Previous Post Next Post