રહેઠાણ-કોમર્શીયલ એકમોમાં 50 કિ.ગ્રા. કચરાના પ્લાન્ટના આદેશથી વિવાદ


સોસાયટીઓએ કચરા અંગે ડેકલેરેશન આપવું પડશે

અમદાવાદ, તા. 22 ડિસેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદમાં અગાઉ રોજના 100 કિલોગ્રામ કચરો ઉત્પન્ન કરતાં એકમોને પોતાના નાના પ્લાન્ટ નાખીને ભીના કચરામાંથી ખાતર બનાવવા સ્વચ્છ ભારત મીશન હેઠળ ફરજ પાડવામાં આવી હતી.

હવે 100 કિલોગ્રામની મર્યાદા ઘટાડીને 50 કિલોગ્રામ કરવાનો નિર્ણય મ્યુનિ.ના વહિવટીતંત્ર દ્વારા લેવાતા તે અંગે વિવાદ શરૂ થયો છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી નજીક જ છે, ત્યારે આ પ્રકારના નિર્ણયથી ભાજપને ધક્કો પહોંચશે તેમ પૂર્વ સિનિયર કોર્પોરેટરોનું કહેવું છે.

આ અંગેની જાહેરાતમાં જણાવાયું છે કે રહેણાંકના એસોસીએશન, કોમર્શીયલ એસો., હોટેલ-રેસ્ટોરન્ટ, ઔદ્યોગિક એકમો વગેરેએ 20 દિવસમાં એટલે કે તા. 10-1-2021 પહેલાં તેમને ત્યાં 50 કિલો ગ્રામથી ઓછો કચરો ઉત્પન્ન થાય છે, તેવું જાતે જ ડેકલેરેશન આપવાનું રહેશે.

વધુ પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરનાર તેમજ ખોટી માહિતી સાથેનું ડેકલેરેશન કરનાર પેનલ્ટીને પાત્ર ગણાશે તેમ જણાવાયું છે. ઉપરાંત કચરો બાયોડિગ્રેબલ, નોન-બાયોડિગ્રેબલ અને ડોમેસ્ટીક હેઝાર્ડ કેટેગરીમાં અલગ કરવાનો રહેશે.

જ્યારે આ અંગે સોલિડવેસ્ટ ખાતાએ જણાવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ કચરાના નિકાલને ત્રણ ચાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલ છે. રિડયુસ, રિયુઝ, રિસાયકલ જે અન્વયે 50 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતાં કોમર્શીયલ એકમો, કલબો, હોસ્પિટલો, મોટી ટાઉનશીપ હોટલો, રેસ્ટોરન્ટોએ તેમના પરિસરમાં જ ઉત્પન્ન થતાં કચરાનો ત્યાં જ નાના મશીનો વડે પ્રોસેસ કરવાનો રહેશે.

ચાંદલોડિયા, ગોતાની મોટી રહેણાંકની સ્કીમો, મોટી કલબો, પાર્ટીપ્લોટો, હોટેલ્સમાં આ પ્રકારના 36 જેટલાં મશીને મુકવામાં આવ્યા છે. જેના દ્વારા બનતું ખાતર ત્યાં જ લોન-ગાર્ડનમાં વપરાય છે.

આ બાબતનો અમલ થાય તો ભીનો અને સુકો કચરો પણ જુદો પડે. જોકે વાત દેખાય છે, તેટલી સરળ નથી, ખાસ કરીને રહેણાંકની સોસાયટીઓમાં 50 કિલો કચરો તો મોટી સોસાયટીમાંથી નીકળે જ.

હવે કોમન પ્લોટના ઠેકાણાં નથી, પાર્કિંગ માટે રોજ ઝઘડા થતા હોય છે, ત્યાં મશીન મુકવુ ક્યાં તે પહેલાં સવાલ ઉભો થવાનો છે. બીજી જ્યાં પણ મશીન મુકવા જાવ ત્યાં નજીક રહેતો નાગરિક દુર્ગંધના કારણે વિરોધ કરવાનો જ છે. આનાથી ઝઘડા વધશે તેમ પણ જણાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rnInfy
via IFTTT

Post a Comment

Previous Post Next Post