Ph.D પ્રવેશ માટે આજે પરીક્ષા વિદ્યાર્થી વધતા હવે ઓફલાઈન લેવાશે


અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીમાં 82 વિષયોમાં પીએચડીની 800થી વધુ બેઠકોમાં પ્રવેશ માટે આવતીકાલે 4થી નવેમ્બરે એન્ટ્રન્સ એક્ઝામ લેવાનાર છે.  વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા યુનિ.દ્વારા હવે પરીક્ષા ઓનલાઈન કે કોમ્પ્યુટર બેઝ લેવાને બદલે ઓનલાઈન જ લેવાશે.

અગાઉ યુનિ.એ કોરોનાને લીધે ઓનલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી પરંતુ 4 હજારથી વધુનું રજિસ્ટ્રેશન થતા વિદ્યાર્થીઓ વધારે હોવાથી કોમ્પ્યુટરોના અભાવે ઓનલાઈન-કોમ્પ્યુટર આધારીત પરીક્ષા નહી લેવાય.

ગુજરાત યુનિ.દ્વારા દર વર્ષે એમ.ફીલ-પી.એચ.ડીમાં પ્રવેશ માટે સાથે પરીક્ષા લેવાતી હોય છે પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ સાથે ગુજરાત યુનિ.દ્વારા આ વર્ષે એમ.ફીલ બંધ કરી દેવામા આવ્યુ છે.જેથી એમ.ફીલમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાનાર નથી.જ્યારે પી.એચ.ડી પ્રવેશ માટે આવતીકાલે  પરીક્ષા લેવાશે.

આ વર્ષે પીએચડી માટે અત્યાર સુધીનુ હાઈએસ્ટ રજિસ્ટ્રેશન થયુ છે. 4246 વિદ્યાર્થીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યુ હતુ.જેમાંથી એમ.ફીલ-નેટ અને જીસેટ પાસ થયેલા 612 વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી નિયમ પ્રમાણે મુક્તિ અપાઈ છે. જ્યારે 448 વિદ્યાર્થીઓની અરજી અમાન્ય થઈ છે.

કુલ 3186 વિદ્યાર્થીઓની આવતીકાલે પરીક્ષા લેવાશે. બપોરે 12થી2 દરમિયાન એમસીક્યુ આધારીત ઓફલાઈન પરીક્ષા લેવાશે.જેમાં પ્રશ્નપત્ર 1 50 ગુણનું અને પ્રશ્નપત્ર-2 (વિષયને લગતુ) 50 ગુણનું રહેશે.કુલ 100 માર્કસની પરીક્ષા લેવાશે.વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા યુનિ.કેમ્પસમાં જ વિવિધ વિભાગોમાં ગોઠવવામા આવી છે. પરીક્ષાના દિવસે જ રાત સુધીમાં ઓએમઆર શીટ વેબસાઈટ પર જાહેર કરી દેવાશે.જ્યારે પરિણામ એક-બે દિવસમાં જાહેર કરી દેવાશે.

સ્ટડી ઈન ગુજરાત હેઠળ 38 વિદ્યાર્થીની અરજી, 22ની પરીક્ષા

પીએચડી માટે આ વર્ષે કુલ 4246માંથી 3798 જેટલી અરજી માન્ય છે.જેમાંથી 612ને પરીક્ષાથી મુક્તિ છે અને વિષયવાર કુલ અરજીમાં સૌથી વધુ એજ્યુકેશનમાં 414 અરજી છે જ્યારે કેમેસ્ટ્રીમાં સૌથી વધુ 73 બેઠકો છે.સ્ટડી ઈન ગુજરાત હેઠળ આ વર્ષે પ્રથમવાર 10 ટકા બેઠકો રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓ માટે સુપર ન્યુમરી ધોરણે રાખવામા આવી છે.જો કે સ્ટડી ઈન ગુજરાત કેટેગરી હેઠળ 38 વિદ્યાર્થીઓની અરજી છે.જેમાં 16 વિદ્યાર્થીને પરીક્ષામાંથી મુક્તિ છે અને 22 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

મેનેજમેન્ટમાં વિદ્યાર્થી Ph.D નહીં કરી શકે : તમામ અરજી રદ

ગુજરાત યુનિ.માં આ વર્ષે એક પણ વિદ્યાર્થી મેનેજમેન્ટમાં પી.એચડી નહી કરી શકે. કારણકે મેનેજમેન્ટમાં પીએચડી માટે આ વર્ષે એક પણ બેઠક ખાલી નથી. જો કે યુનિ.એ બેઠકો ન હોવાની સ્પષ્ટતા કરી ન હતી.જેથી ઓનલાઈન એપ્લિકેશનમાં મેનેજમેન્ટ સબ્જેક્ટ સાથે પીએચડી ઓપ્શન આપી અરજી કરવા માંગતા અનેક વિદ્યાર્થીઓએ 750 રૂપિયા ઓનલાઈન ફી ચુકવીને રજિસ્ટ્રેશન માટે પિન ખરીદ્યો હતો.પરંતુ મેનેજમેન્ટ સબ્જેક્ટમાં એપ્લિકેશન ન થતી હોવાથી વિદ્યાર્થીઓએ કોમર્સના સબ્જેક્ટ સીલેક્ટ કરી અરજી કરી દીધી હતી.જેથી અનેક વિદ્યાર્થીઓની અરજી રદ કરી પરીક્ષા માટે ડિસ્કવોલિફાઈ કરવામા આવ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GubICq
via IFTTT

Post a Comment

Previous Post Next Post