કેશ ફોર વોટ...મતનો છડેચોક ભાવ રૂા.100 બોલાયો


(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આચાર સંહિતાના લીરેલીરા ઉડયા હોવાના કિસ્સા બહાર આવતાં ભારે ઊહાપોહ મચી ગયો છે. કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપને ફાયદો કરાવવા રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઇ હતી.

જેમાં ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવાર અક્ષય પટેલને ટિકિટ આપી હતી.જ્યારે કોંગ્રેસે અક્ષય પટેલના એક સમયના વિશ્વાસુ એવા કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી હતી.

પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠક માટે આજે મતદાન થયું હતું. એક વિડિઓમાં કરજણના એક ગામ પાસે રિક્ષામાં મત આપવા જઇ રહેલા ગ્રામજનોને એક કાર્યકર રૂા.100 આપી કમળના એક નંબરના નિશાન ઉપર બટન દબાવવા માટે આગ્રહ કરી રહેલો દેખાય છે.

જ્યારે આવા જ બીજા એક વિડિઓમાં એક ગામના ફળિયામાં કેટલાક કાર્યકરો રૂપિયાની લહાણી કરવા નીકળેલા દેખાઇ રહ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આ બંને વિડિઓ  અંગે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે,ચૂંટણી પંચે આ બંને વિડિઓની તાકીદે તપાસ કરી પગલાં લેવા જોઇઅ.

કરજણની ચૂંટણી જીતવા સરકારી તંત્રનો બેફામ ઉપયોગ

ગૃહમંત્રીને રાજી કરવા પોલીસ કોંગ્રેસના પોલિંગ એજન્ટને ઉઠાવી ગઇ

સાધલીના બુથ નંબર 198ના સીસીટીવી ફૂટેજ તપાસવા માંગણી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર

કરજણની ચૂંટણી જીતવા માટે તંત્ર પણ ભાજપ માટે કામે લાગ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પંચમાં કરેલી રજૂઆતમાં કહ્યું છે કે,સાધલીના 198 નંબરના બુથ ઉપર કોંગ્રેસના અધિકૃત પોલિંગ એજન્ટ અલ્તાફ રંગરેજને વારંવાર પોલીસ લઇ ગઇ હતી. ડીઆઇજી અને એસપી દ્વારા કોંગ્રેસના કાર્યકરને કોઇ પણ કારણ વગર ઉઠાડવા પાછળનું કારણ શું ? કરજણ બેઠકનું સુકાન ભાજપ દ્વારા ગૃહમંત્રીને સોંપવામાં આવ્યું હોવાથી તેમને રાજી કરવા માટે પોલીસ દ્વારા કોંગ્રેસને નુકસાન કરવામાં આવ્યું હોવાથી આ કિસ્સાની સીસીટીવી ફૂટેજ મંગાવીને તપાસ થવી જોઇએ.

રૂપિયા વહેંચવાં નીકળેલો ભાજપ  કાર્યકર કહે છે..

અશોક કુમારના બે અને બીજા બે એમ ચાર તેમજ વિનુના બે અલગ આપો..

વાઇરલ વીડિયોમાં રૂપિયાની વહેંચણી કરતો કાર્યકર નજરે પડે છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર

કરજણ નજીકના એક ગામના ફળિયામાં ખુલ્લેઆમ રૂપિયાની વહેંચણી કરવામાં આવી રહી હોવાના વાયરલ થયેલા વિડિઓની તપાસ કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. વાયરલ વિડિઓમાં કાર્યકરો વચ્ચેનો સંવાદ પણ સંભળાઇ રહ્યો છે.જેમાં એક કાર્યકર કહી રહ્યો છે કે, અશોકકુમારના બે અને બીજા બે એમ ચાર તેમજ વિનુના બે અલગ આપો. ત્યારબાદ રૂા.100-100ની નોટ આપતો કાર્યકર નજરે પડે છે. કાર્યકરો ખુલ્લેઆમ ભાજપને મત આપવાનું કહેતા પણ સંભળાઇ રહ્યા છે. કોંગ્રેસે વિડિઓમાં દેખાતા કાર્યકરોની  અને કોના કહેવાથી રૂપિયા વહેંચવા માટે નીકળ્યા હતા તેની તપાસ કરવા માટે માંગણી કરી છે.

પોર અને આસપાસના ગામોમાં અનાજની કિટો વહેંચાઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર

પોર અને આસપાસના ગામોમાં અનાજની કિટોનું  પણ વિતરણ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે.ભાજપના એક આગેવાન દ્વારા આ કિટો તૈયાર કરાવવામાં આવી હોવાનું કહેવાય ે  છે.કોંગ્રેસ દ્વારા આ બાબતે પણ તંત્ર ઉપર આંખ આડા કાન કરવા બદલ આક્ષેપ કરવામાં આવ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38a0PRK
via IFTTT

Post a Comment

Previous Post Next Post