વીડિયોના માધ્યમથી KYC આપીને નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકાશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

નેશનલ પેન્શન સ્કીમનો વ્યાપ વધે અને વધુ ને વધુ નાગરિકો તેમાં નાણાંનું રોકાણ કરે તે માટે કેન્દ્ર સરકારે હવે વિડીયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસના માધ્યમથી એનપીએસ એકાઉન્ટ ખોલી આપવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમને પરિણામે પેન્શન સ્કીમ ઓછી ખર્ચાળ પણ બનશે. નેશનલ પેન્શન સ્કીમને વધુ લોકપ્રિય બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ અગાઉ ઓથેન્ટિકેશન માટે વન ટાઈમ પાસવર્ડ આધારિત સિસ્ટમ લાગુ કરી હતી. તેનાથી ઇન્વેસ્ટમેન્ટ કરવાની અને નેશનલ પેન્શન ફંડના ખાતા ખોલવાની કામગીરી ઝડપી થશે. વિડીયો આધારિત કસ્ટમર આઈડેન્ટિફિકેશનની પ્રોસેસ કરવાની કામગીરી કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ એજન્સીઓને નિયુક્ત કરી દેવામાં આવી છે.

પેન્શન ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓ ઘટના સ્થળે હાજર ન હોય તો પણ તેમની ઓળખ કરી શકાશે. પરિણામે કોઈપણ જાતના કાગળો કર્યા વિના જ પેન્શન ફંડમાં રોકાણ કરી શકાશે.

આ સિસ્ટમને કારણે ખાતું જેટલું ઝડપથી ખોલી શકાશે તેટલું જ ઝડપથી ખાતું બંધ પણ કરી શકાશે. નેશનલ પેન્શન ફંડને લગતી સેવાઓ પણ ઝડપથી મળી શકશે. ગયા મહિને વીમા યોજનાઓનું નિયમન કરતી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ તમામ વીમા કંપનીઓને પણ વિડીયો આધારિત ઓળખની પ્રક્રિયા કરીને કે.વાય.સી. મેળવી લેવાની સૂચના આપી હતી.

મોટાભાગની બેન્કો અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓએ પણ વિડીયો આધારિત કે.વાય.સી.ની સિસ્ટમને અનુસરવાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને ગત જાન્યુઆરીથી વિડીયો કે.વાય.સી.થી ચલાવવાની છૂટ આપી છે.

નેશનલ પેન્શન ફંડમાં વન ટાઈમ પાસવર્ડથી કે પછી ઈ-સાઈનથી રોકાણ કરી જ શકાય છે. તદુપરાંત હવે વિડીયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસના માધ્યમથી પણ એનપીએસનું ખાતું ખોલી આપવાની છૂટ મળી છે. ઈ-નોમિનેશનની સુવિધા પણ તેમાં આપવામાં આવેલી છે. તેમ જ કસ્ટમરને બોલાવ્યા વિના જ તેમના ખાતાઓ ખોલી આપવા માટે આ કામ કરતી સંસ્થાઓએ પોતાની એપ તૈયાર કરાવવી પડશે.

આ એપના માધ્યમથી જ તેઓ અરજદાર એટલે કે એનપીએસનું નવું ખાતું ખોલાવનારનો ફોટો લઈ શકશે. તેમના દસ્તાવેજો પણ સ્કેન કરી શકે અને તેને સત્તાવાર રીતે અપલોડ કરી શકે તેવી સુવિધા પણ એપના માધ્મયથી આપી શકશે. ભારતના કોઈપણ લૉકેશન પરથી ઇન્વેસ્ટમેન્ટ કરવું શક્ય બનશે. આ તમામ ડેટા સલામત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ફ્રોડ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

વિડીયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ દરમિયાન જ સિક્યોરિટી ઓડિટ કરી લેવામાં આવશે. આ એપ પર જ તત્કાળ બેન્ક એકાઉન્ટની ખરાઈ કરી શકાશે. તેની સાથે જ સબસ્ક્રાઈબરનો ફોટો અને સહી અપલોડ કરી શકાશે. વિડીયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ દરમિયાન જ સબસ્ક્રાઈબરની મંજૂરી મેળવી શકાશે. આસાનીથી ઓળખી શકાય તેવી ક્વોલિટીનો આ વિડીયો હશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32kJtOg
via IFTTT

Post a Comment

Previous Post Next Post