ડિપ્લોમા ઈજનેરીના થર્ડ રાઉન્ડમાં 5673 સરકારી બેઠકો ખાલી


અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

ડિપ્લોમા ઈજનેરીમાં ત્રીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટ બાદ 5673 બેઠકો ખાલી છે.માત્ર સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ખાલી બેઠકો માટે થયેલા ત્રીજા રાઉન્ડમાં 1925 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે.

પ્રથમવાર આ વર્ષે પુરક પાસ વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં પ્રવેશ મળ્યો છે.દર વર્ષે પુરક વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં વેકેન્ટ ક્વોટામાં  પ્રવેશ મળતો હતો. પુરક પાસ 1857 વિદ્યાર્થીને સરકારી કોલેજોમાં વિવિધ બ્રાંચ પર પ્રવેશ મળ્યો છે.

બે ઓનલાઈન રાઉન્ડ બાદ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ખાલી પડેલી 7088 બેઠકોમાંથી સુપર ન્યુમરી  બેઠકો બાદ 6903 બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા નવા રજિસ્ટ્રેશન સાથે ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો હતો.

ધો.10ના પુરક પાસ થયેલા અને અગાઉ રજિસ્ટ્રેશનથી વંચિત સહિતના વિદ્યાર્થીઓ માટે નુવ રજિસ્ટ્રેશન થયુ હતુ.જેમાં 1900થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતું.ત્રીજા રાઉન્ડમાં નવા કે જેઓએ પ્રથમવાર ચોઈસ ફિલિંગ કર્યુ અને જુના કે જેઓએ કન્સેન્ટ આપી ફરી ચોઈસ ફિલિંગ કર્યુ હતુ તેવા કુલ મળીને 2515 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.

જેમાંથી 1925 વિદ્યાર્થીઓને મેરિટ અને ચોઈસ મુજબ પ્રવેશ ફાળવાયો છે. ત્રીજા રાઉન્ડમાં 56 વિદ્યાર્થીઓનો ખાનગી કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ  ટ્રાન્સફર થયો છે. અન્ય રાજ્યના હોય તેવા 17 વિદ્યાર્થીને સ્ટડી ઈન ગુજરાત હેઠળ પ્રવેશ મળ્યો છે. સરકારી -ગ્રાન્ટેડ કોલેજોની કુલ 20603 બેઠકોમાંથી 14930 બેઠકો પર ત્રણ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો છે.

ત્રીજા રાઉન્ડમા ફાળવણી બાદ હવે 5673 બેઠકો ખાલી છે.પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ 9મી સુધી પ્રવેશ કન્ફર્મ કરવાનો છે.જેથી ખાલી બેઠકો 5700 જેટલી થઈ શકે છે. સરકારી ખાલી બેઠકોમાં કોમ્પ્યુટર-આઈટીની તમામ બેઠકો ફુલ થઈ ગઈ છે.સિવિલ,મિકેનિકલ,ઈલેક્ટ્રિકલ, માઈનિંગ,સહિતની બ્રાંચમાં બેઠકો ખાલી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3liMmX2
via IFTTT

Post a Comment

Previous Post Next Post