આજે બિહાર ચૂંટણી અને IPLની ફાઈનલ મેચ માટે સટ્ટા બજાર ગરમ


ગુજરાતની ચૂંટણીમાં નહીવત ને ક્રિકેટ પર જબ્બર સટ્ટાબુકિંગ 

અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને બિહારની ચૂંટણીમાં લાલુપુત્ર તેજસ્વી યાદવની આર.જે.ડી. પાર્ટી ફેવરિટ છે. આવા તારણ સાથે મંગળવારે ગુજરાતની સટ્ટાબજારમાં 2000 કરોડો રૂપિયાની ઉથલપાથલ થવાનો અંદાજ બૂકીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

દિવાળીના તહેવારો આવી ગયાં છે ત્યારે બજારમાં મંદિની બૂમ વચ્ચે સટ્ટાબજાર ગરમ હોવાનો દાવો બૂકીઓ કરી રહ્યાં છે. બિહારના પરિણામ પર વધુ સટ્ટો રમાવાનો છે તો ગુજરાતની આઠ બેઠકો માટે સાવ નહીં જેવો સટ્ટો રમાવાનો છે. જો કે, ક્રિકેટ પર જબ્બર સટ્ટાબુકીંગ થશે તેવી ધારણા સાથે બુકી બજાર સટ્ટાના ખેલ માટે સજજ બની છે.

સટ્ટાબજારમાં ભાગ્યે જ બને છે તેમ એક જ દિવસે બે મોટી ઈવેન્ટ મંગળવારે આવવાની છે. મંગળવારે આઈ.પી.એલ.ની ફાઈનલ મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાવાની છે. બૂકી બજારના સૂત્રોએ જણાવ્યું કે, 75 પૈસા સાથે મુંબઈ અને 1 રૂપિયા 40 પૈસા સાથે દિલ્હી ફેવરિટ છે. મુંબઈ જીતશે તેમ કહીને એક લાખ રૂપિયાનો સટ્ટો બૂક કરાવનાર વ્યક્તિને 1.75 લાખ રૂપિયા મળે છે.

જો દિલ્હી જીતી જાય તો લાખ રૂપિયા ગુમાવવા પડે છે. જ્યારે, દિલ્હી હારશે તેમ કહી એક લાખ રૂપિયા બૂક કરાવનાર જીતે તો 2.40 લાખ રૂપિયા પરત આપવામાં આવે છે. સટ્ટો રમનારે કહ્યું તેમ દિલ્હી હારે નહીં તો એક લાખ ગુમાવવા પડે છે. આવી રીતે આસાનીથી રૂપિયા કમાવાની લાલચની દુનિયામાં ગુજરાત સટ્ટામાં અગ્રેસર રહે છે.

જો કે, આ વખતે કોરોનાની અસર સટ્ટા પર પણ  વરતાઈ રહી છે. બૂકીઓની ધારણા કરતાં ઓછો સટ્ટો આઈપીએલની મેચો પર નોંધાતો રહ્યો છે અને ફાઈનલમાં પણ ઓછી રકમનો સટ્ટો નોંધાશે તેવી ધારણા હોવાનું બૂકી બજારના સૂત્રો કહે છે. આમ છતાં, ગુજરાતમાં 1800થી 2000 કરોડ રૂપિયાની ઉથલપાથલ થવાની ધારણા બૂકીબજારના સુત્રો વ્યક્ત કરી રહ્યાં છે.

મંગળવારે આઈપીએલ ફાઈનલ ઉપરાંત બિહારની ચૂંટણીનું પરિણામ છે. બિહારની ચૂંટણી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. સટ્ટાબજારના મતે આર.જે.ડી.ને 104થી 106, એનડીએને 73થી 75 તેમજ કોંગ્રેસને 31થી 33 બેઠકો મળી શકે છે. બિહાર ચૂંટણી પર સટ્ટાબજારે જાહેર કરેલી બેઠકો જે-તે પક્ષને મળશે કે કેમ તે જણાવીને સટ્ટો બુક કરવામાં આવે છે.

આરજેડીને 104 બેઠક મળશે તેમ કહી એક લાખ રૂપિયા બૂક કરાવાય ને ધારણા સાચી પડે તો બે લાખ રૂપિયા મળે છે. જ્યારે, ધારણા ખોટી પડે તો એક લાખ રૂપિયા ગુમાવવા પડે છે. આમ, ક્રિકેટ અને ચૂંટણી સટ્ટાની પદ્ધતિઓ અલગ-અલગ છે. બૂકી બજાર કહે છે કે, કોરોનાથી ગુજરાત અને મુંબઈમાં સટ્ટો ઘટયો છે. હાલમાં સટ્ટા બુકીંગમાં દિલ્હી મોખરે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pbSwe4
via IFTTT

Post a Comment

أحدث أقدم