આજે પેટાચૂંટણીનું પરિણામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો


મતગણતરી કેન્દ્રો પર થર્મલ ગન, માસ્ક-સેનેટાઇઝર્સની વ્યવસ્થા કરાઇ

ભાજપ-કોંગ્રેસની રાજકીય શાખ દાવ પર, કોને કેટલી બેઠકો મળશે તેની અટકળો સાથે શરતો પણ લાગી

અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

ગુરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીના પરિણામ આવતીકાલ તા,10મી મંગળવારે જાહેર થશે. જીતના દાવાઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસની રાજકીય શાખ દાવ પર લાગી છે. 81 ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ છે.

આવતીકાલે વહેલી સવાર 8 વાગ્યાથી મત ગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે. જોકે, પરિણામ અગાઉ જ કોને કેટલી બેઠકો મળશે તે અંગે લોકોએ અટકળો માંડી છે.હવે જોવાનુ એ રહ્યું કે, મતદારોએ શુ નિર્ણય કર્યો છે.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકી રાજીનામુ ધરી દેતાં આઠ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી જેની પેટાચૂંટણી 3 જી નવેમ્બરે યોજાઇ હતી. ધારી , અબડાસા , લિંબડી , ગઢડા , કરજણ , ડાંગ , કપરાડા અને મોરબી બેઠકો પર કુલ મળીને 60.75 ટકા મતદાન થયુ હતું.

સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 77.50 ટકા અને સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર 45.79 ટકા નોધાયુ હતું. ભાજપ-કોંગ્રેસે આઠેય બેઠકો જીતવાનો દાવો કર્યો છે જયારે સટ્ટા બજાર - એક્ઝિટ પોલમાં ભાજપને પાંચ - છ બેઠકો અને કોંગ્રેસને બે - ત્રણ બેઠકો મળે તેવો અંદાજ છે. 

આવતીકાલે ભૂજ ,સુરેન્દ્રનગર , મોરબી , ધારી , ગઢડા ,વડોદરા , આહવા અને કપરાડામાં મત ગણતરી કેન્દ્રો પર મત ગણતરી યોજાશે. સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ જશે.

કોરોનાને લીધે મત ગણતરી કેન્દ્રો પર મર્યાદિત ટેબલો ગોઠવવામાં આવ્યાં છે.આઠ મત ગણતરી કેન્દ્રો પર 97 ટેબલો ગોઠવાયા છે અને 320 કર્મચારીઓની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત મત ગણતરી કામગીરીમાં સામેલ સરકારી કર્મચારીઓથી માંડીને ઉમેદવાર એજન્ટોને ય માસ્ક-હેન્ડ ગ્લોવ્ઝ  પહેરવુ ફરજિયાત છે.

મતગણતરી કેન્દ્રો પર થર્મલ ગનથી ચકાસણી કરીને દરેકને પ્રવેશ અપાશે. ફેસશિલ્ડથી માંડીને સેનેટાઇઝર્સની પણ વ્યવસૃથા કરાઇ છે. આ પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે એસિડ ટેસ્ટ બની રહેશે. પ્રદેશ પ્રમુખનું પદભાર સંભાળ્યાં પછી સી.આર.પાટીલ માટે પેટાચૂંટણીનું પરિણામ રાજકીય પ્રતિષ્ઠાનો સવાલ છે.

આ તરફ, કોંગ્રેસ  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપરાંત હાર્દિક પટેલ માટે પણ રાજકીય અસ્તિત્વનો સવાલ છે. આ ઉપરાંત આ પરિણામ પરથી એ વાત પણ પ્રસૃથાપિત થઇ જશે કે,મતદારો પક્ષપલટુઓને ઘેર બેસાડશે કે પુ:ન ધારાસભ્ય બનાવી ગાંધીનગર મોકલશે. 

કયાં કયાં મતગણતરી થશે

અબડાસા-સરકારી ઇજનેર કોલેજ, ભૂજ

લીંબડીં-એમ.પી.શાહ આર્ટસ-સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર

મોરબી-ગર્વમેન્ટ પોલિટેકનીક કોલેજ, મોરબી

ધારી-શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી

ગઢડા-ભક્તરાજ દાદા ખાચર કોલેજ, ગઢડા

કરજણ-પોલીટેકનીક કોલેજ, વડોદરા

ડાંગ-ગર્વમેન્ટ સાયન્સ કોલેજ, આહવા

કપરાડા-ગર્વમેન્ટ આર્ટસ કોલેજ, કપરાડા



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lrUKna
via IFTTT

Post a Comment

أحدث أقدم