
અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયાં તેના કરતાં પણ ઘાતક 'સિરિયલ કેમિકલ બ્લાસ્ટ'માં 12-12 નિર્દોષ માનવ જીંદગી હોમાઈ ગઈ છે. પિરાણા રોડ પર કેમિકલ મિશ્રણ કરતાં એકમમાં ગણતરીની સેકન્ડસમાં તોપગોળા જેવા ત્રણ-ત્રણ બ્લાસ્ટ થયાં હતાં.
આ જગ્યાએ જ્વલનશીલ કેમિકલના બેરલ અને કેરબા ભરેલાં હોવાથી પહેલો બ્લાસ્ટ થયાં પછી વધુ બે બ્લાસ્ટ થયાં તેણે બાજુમાં આવેલા બે સાડી એકમોની છત અને પિલ્લર ધરાશાયી કરી દીધાં હતાં. એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયાંના પૂરાવા આજે પોલીસ અને એફએસએલની તપાસમાં કેમિકલ મિશ્રણ કરતાં એકમની તપાસ દરમિયાન મળી આવ્યાં છે.
આ એકમના માલિક હેતલ સુરતિયાની પૂછપરછમાં પોલીસને એવી વિગતો મળી છે કે, વિવિધ એકમોને જરૂરીયાત મુજબ કેમિકલ મિશ્રણ કરીને વેચવામાં આવતું હતું અને સાતથી દસ લાખ રૂપિયાનું માસિક ટર્નઓવર હતું. જો કે, બ્લાસ્ટનું કારણ અને કયા કેમિકલથી ઘાતક બ્લાસ્ટ થયાં તે સ્પષ્ટ કરવા એફએસએલની તપાસ ચાલી રહી છે.
પિરાણા રોડ પર કેમિકલ બ્લાસ્ટની ઘટના બોમ્બ બ્લાસ્ટ જેવી કેટેગરીમાં મુકી શકાય તેવી છે. તજજ્ઞાોએ જણાવ્યું કે, બોમ્બ બ્લાસ્ટ કે અન્ય બ્લાસ્ટ થાય ત્યારે પહેલાં હવા ખેંચાઈ અને શૂન્યાવકાશ સર્જાય તે દિશામાં હવે પ્રચંડ ફોર્સથી વળતી ફેંકાય છે.
બોમ્બ બ્લાસ્ટની માફક જ વિસ્ફોટ સાથે જ્વલનશીલ કેમિકલ્સની આગ પણ સાડી ફેક્ટરીઓમાં પ્રસરી હતી. કેમિકલ ભરેલાં ડ્રમ અને કેરબા બોમ્બ જેવા પૂરવાર થયાં હતાં. ભેજ આવી જવાથી કે નિશ્ચિત માત્રા કરતાં ગરમી વધવાથી (બીડી-સિગારેટ, દિવો, દિવાસળી કે પછી ઈલેક્ટ્રીક શોર્ટ સરકીટ) આગ લાગતાં કેમિકલ બ્લાસ્ટ થયા હોઈ શકે છે.
પોલીસ અને એફએસએલની ખાસ ટીમ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, 51 વર્ષના હિરલ સુતરિયા 10 વર્ષથી કેમિકલ વેચવાનો વ્યવસાય કરે છે અને ત્રણ વર્ષથી 17000 ભાડુ ચૂકવી મુસ્તુફા નામના કર્મચારીને રાખી કેમિકલનું મિશ્રણ કરી વેચાણ કરતાં હતાં. મુસ્તુફાનું આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે.
કેમિકલ મિશ્રણ કરાતું હતું તેવા એકમમાં ત્રણ ખાડા પડેલાં જોવા મળ્યાં છે. આથી, પ્રાથમિક તારણ મુજબ કોઈ કારણસર પહેલો કેમિકલ બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટની અસરરૂપે ગણતરીની સેકન્ડસમાં જ બીજા બે બ્લાસ્ટ થયાં હતાં.
એલ આકારના શેપમાં રેવાકાકા એસ્ટેટ અને નાનુભાઈ એસ્ટેટમાં આવેલા કેમિકલ એકમ ઉપરાંત બે સાડી પેકીંગ એકમો ઉપરાછાપરી ત્રણ-ત્રણ બ્લાસ્ટથી તબાહ થઈ ગયાં અને 12 શ્રમિકોએ જીંદગી ગુમાવી છે. આજે વિસ્ફોટ સૃથળથી એક કિલોમીટર સુધીના વિસ્તારમાં તપાસ કરાઈ હતી. અંદાજે 500 મિટર એટલે કે અડધો કિલોમીટર દૂર સુધીથી સાડી પેકીંગ એકમોના પિલ્લર કે બાંધકામના ટૂકડા મળી આવ્યાં હતાં તે બ્લાસ્ટની ઘાતકતા દર્શાવે છે.
એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે, આ કોઈપણ પ્રકારે બોયલર બ્લાસ્ટ નહોતો. પરંતુ, જ્વલનશીલ કેમિકલ્સ સાથેના કેરબા અને ડ્રમ એક પછી એક ત્રણ બ્લાસ્ટથી બોમ્બ કરતાં વધુ શક્તિશાળી વિસ્ફોટક જેવા બની ગયાં હતાં. કેમિકલ બ્લાસ્ટ થયો તે નિશ્ચિત છે પણ બ્લાસ્ટની શરૂઆત કઈ રીતે થઈ તે સ્પષ્ટ કરવા એફએસએલની એક્સપર્ટ કમિટી અને પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે.
હિરલ સુતરિયાની પૂછપરછ કરી કયા કયા કેમિકલ રાખવામાં આવતાં હતાં તે જાણ્યા પછી એફએસએલ આવશ્યક એનાલિસીસ કરશે. સંભવત: શનિવાર કે સોમવાર સુધીમાં કેમિકલ બ્લાસ્ટ થવાનું પ્રાથમિક કારણ જણાવતું તારણ એફએસએલ આપી શકે છે તેમ પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું હતું.
બ્લાસ્ટનું કારણ જાણવા ત્રણ મુદ્દા પર તપાસ કેન્દ્રીત
ઈથાઈલ-મિથાઈલ કીટોન કે હાઈડ્રો પેરોક્સાઈડથી બ્લાસ્ટ : વૈજ્ઞાાનિક ઢબે તપાસ
પિરાણા, પીપળજ રોડ પર કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટ ક્યા કારણે થયાં તેની તપાસ માટે એફએસએલએ ફિઝીક્સ, ફાયર એક્સપર્ટ અને ફોરેન્સિક સાયન્સના ત્રણ તજજ્ઞા સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. તપાસમાં બ્લાસ્ટ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરવા ત્રણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
(1) ઈમ્પેક્ટ એનાલિસીસ અંતર્ગત કેટલા વિસ્તારમાં અસર થઈ તે જાણી કયા કેમિકલથી વિસ્ફોટ થયો તે જાણવા પ્રયાસ (2) સેમ્પલ એનાલિસીસ કરી કયા કેમિકલથી બ્લાસ્ટની શરૂઆત થઈ તે જાણવા પ્રયાસ કરાશે. (3) શોર્ટ સરકીટના કારણે કેમિકલ સળગ્યાં કે કેમ તે સ્પષ્ટ કરવા ઈલેક્ટ્રીક બોર્ડ, મિટર અને વાયરની તપાસ કરાઈ રહી છે. ઈથાઈલ મિથાઈલ કીટોન, હાઈડ્રો પેરોક્સાઈડ અને અન્ય બે કેમિકલ્સના કેટાલિસ્ટ (મિશ્રણ) બનાવીને હીરલ સુતરિયા વેચાણ કરતાં હતાં.
ઈથાઈલ મિથાઈલ કીટોન અને હાઈડ્રો પેરોક્સાઈડ અતિ જ્વલનશિલ છે તેની મહત્તમ ઈમ્પેક્ટ રહ્યાનું પ્રાથમિક તારણ છે. કોમ્પોડાઈટ મારબલ, જીઆરપી પાઈપ અને ફાઈબર રેનફોર્સ પ્લાસ્ટીક બનાવવા જરૂરીયાત મુજબ કેમિકલ મિશ્રણ કરી વેચતા હીરલ સુતરિયાની પૂછપરછ એફએસએલ કરી શકે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/366sujL
via IFTTT
إرسال تعليق