નારોલમાં ફાયર સ્ટેશન બનાવવા કમિશનરના આદેશને તંત્ર ઘોળી પી ગયું


અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

ગુરૂવારે પિરાણા-પીપળજ રોડ પર બનેલી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને એસ્ટેટ વિભાગની બેદરકારી બહાર આવવા પામી છે. મ્યુનિ.ના પુર્વ કમિશનરના સમયમાં તેમના દ્વારા નારોલ વિસ્તારમાં ફાયર સ્ટેશન તેમજ જયાં અંતરીયાળ જગ્યાઓ હોય એવા ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ એકમોના વિસ્તારમાં ફાયર ચોકી શરૂ કરવા અંતિમ નિર્ણય લેવાયો હતો.

પરંતુ કમિશનરના આદેશને બંને વિભાગો દ્વારા ઘોળીને પી જવાતા છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં આગના મોટા બનાવો વધ્યા છે અને જાનહાની પણ વધી છે. સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,એક વર્ષ અગાઉ પીરાણા-પીપળજ રોડ પર મોટી આગની ઘટના બની હતી.જેને પગલે પુર્વ મ્યુનિ.કમિશનર વિજય નહેરા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આગ ભંગારના ટાયરોમાં લાગી હતી.આગ કાબૂમાં આવ્યા પછી તંત્રે તપાસ કરતા ખબર પડી કે,જે જગ્યાએ ભંગારના ટાયરનો ધંધો કરાતો હતો અને આગ લાગી હતી એ જગ્યા તો મ્યુનિસિપલ તંત્રની માલિકીની છે. બાદમાં  તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુકત બેઠક બોલાવી નારોલ વિસ્તારમાં અલાયદુ ફાયર સ્ટેશન બનાવવા આદેશ કર્યો હતો.

જેથી ઝડપથી આગના બનાવોમાં સ્ટાફ અને વાહનો પહોંચી શકે.ઉપરાંત બેઠકમાં એ સમયે તેમણે અંતરિયાળ જગ્યાઓમાં ચાલતી ફેકટરીઓ અને ગોડાઉનોમાં આગ લાગે અને ઝડપથી કોલ એટેન્ડ થઈ શકે એ માટે ફાયર ચોકી બનાવવા સુચના આપી હતી.

કમિશનરના આદેશ બાદ જગ્યા જોવાઈ ગઈ હતી.એસ્ટેટ વિભાગે જરૂરી પત્ર દ્વારા મ્યુનિસિપલ કમિશનરની મંજુરી પણ મેળવી લીધી હતી.પરંતુ કમિશનરની બદલી થતાની સાથે જ આ મંજુરીનો અમલ કરવા ન તો ફાયર બ્રિગેડે કોઈ પુછપરછ કરી ન તો એસ્ટેટ વિભાગે કોઈ આ બાબતની ગંભીરતા લીધી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p6txsI
via IFTTT

Post a Comment

أحدث أقدم