મ્યુનિ. વિપક્ષના નેતા તરીકે કમળાબહેન ચાવડાની નિયુક્તિ


અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધપક્ષ કોંગ્રેસના નેતા તરીકે દિનેશ શર્માએ રાજીનામું આપ્યા બાદ તે ખાલી પડેલી જગ્યા પર આજે પ્રદેશ સમિતિએ બહેરામપુરાના મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાની નિયુક્તિ કરી છે. 

વિપક્ષના નેતા તરીકે મ્યુનિ.ના ઇતિહાસમાં પહેલી વખત મહિલા કોર્પોરેટરની પસંદગી કરવામાં આવી છે. મહિલા મેયર સામે મહિલા નેતા મુકાયા છે. દલીત સમાજમાંથી આવતા કમળાબેન છેલ્લી ચાર ટર્મથી સતત કોર્પોરેટર તરીકે ચુંટાતા આવ્યા છે. કોંગ્રેસમાં જામેલી ભારે ખેંચતાણ બાદ દિનેશ શર્માને રાજીનામું આપવાની ફરજ પડી હતી. 

તેમની સામે બબ્બે વખત સહી ઝુંબેશ કોર્પોરેટરોમાં થઇ હતી. ઉપરાંત અમદાવાદમાંથી ચુંટાયેલાં ચાર કોંગ્રેસના ધારાસભ્યોમાં પણ આ મુદ્દે ભાગલા પડી ગયા હતા. બાદમાં ઉપરના લેવલે થયેલી રજુઆત બાદ બદલવાની માગણી કરી રહેલા બાપુનગરના અને દાણીલીમડાના ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો હતો. મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી જ નિર્ણય થયો હતો.

બીજી તરફ ટર્મ પુરી થવાને એક-દોઢ મહીનો જ રહ્યો છે, ત્યારે કોંગ્રેસનો નિર્ણય થોડો કસમયનો છે. આમ છતાં હવે જો અંદરો અંદર લડવાના બદલે ભાજપ સામે લડવાની તૈયારીઓમાં નહીં પડી જાય તો ચૂંટણીમાં ભારે નુકશાન થશે તેમ જણાય છે. કેમ કે છેલ્લા 15 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે.

2015ની ચૂંટણીમાં 15 જેટલી સંખ્યા કોર્પોરેટરોની વધતા આંકડો 50 ઉપર પહોંચી ગયો હતો. પરંતુ હાલના સંજોગો જોતા શહેર કોંગ્રેસનું સંગઠન તુટી ગયેલું છે. કોરોના, તુટેલા રોડ, ચિકનગુનિયાનો રોગચાળો, પ્રદુષિત પાણી, ઠેર ઠેર ઉભરાતી ગટરો, એએમટીએસ-વી.એસ.ની ખાડે ગયેલી સેવાઓ જેવા અનેક પ્રશ્નો પ્રજાની હાલાકી વધારનારા હોવા છતાં એક પમ પ્રશ્ને કોંગ્રેસ ક્યારેય રોડ પર નથી આવી !



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ebxGS
via IFTTT

Post a Comment

أحدث أقدم