
અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
અમદાવાદના પૂર્વપટ્ટામાં અનેક કેમિકલની ફેકટરીઓ ધમધમે છે, જેમાં જોખ્મી કચરાના નીકાલ સહીત અનેક બાબતો ગેરકાયદેસર ચાલે છે. આ અંગે અનેક બાબતો અવારનવાર પ્રકાશમાં આવતી હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશન કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ દિશામાં ભાગ્યે જ ધ્યાન આપે છે.
આ ફેકટરીઓની ગતિવિધી પર ધ્યાન રાખવા અગાઉના મ્યુનિ. કમિશનરે મ્યુનિ.ના કર્મચારી, પોલીસ અને જીપીસીબીના કર્મચારીની પેટ્રોલીંગ માટે ટીમ બનાવવાની જાહેરાત કરી હતી, તે બાબત બિનઅસરકારક સાબિત થઇ છે.
આ ફેકટરીઓમાંથી નીકળતા પ્રવાહી કચરાને ટ્રીટ કરીને તે અંગેની ખાસ ગટરમાં છોડવાનો હોય છે. જે અંગેનો ખર્ચ વધુ આવે છે એટલે ટેન્કર માફીયાઓ દ્વારા ખારીકટ કેનાલમાં કે કોઈપણ મેનહોલ ખોલીને તેમા ઠાલવી નખાય છે.
એવી જ રીતે કેમિકલની અત્યંત જોખ્મી એસ-રાખ પણ ડમ્પર માફિયાઓને ઉંચુ ભાડું આપીને સુમસામ રોડ પર રાતના જઇને કિનારીએ ઢગલો કરી નખાતો હોય છે. પિરાણા તરફના રોડની સાઇડમાં ઠેર ઠેર રાખની નાની નાની ઢગલીઓ જોવા મળે છે.
પીરાણાં-પીપળજ રોડ પર આગની દારૂણ દુર્ઘટના સર્જાઈ તે ફેકટરીની આસપાસ જ મ્યુનિ. કોર્પોરેશનની ખુલી જગ્યા છે. જ્યાં મ્યુનિ.ના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કેમિકલનો કચરો ઠાલવી દેવાતો હોય છે. ફેકટરીઓનો જોખ્મી ઘનકચરો અને પ્રવાહી કચરો પૂર્વના વિસ્તારમાં રહેતા નાગરિકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો કરે છે.
ખારીકટ કેનાલ સાફ કરાવવામાં આવી ત્યારે કેનાલમાં ખુલતા ગટરોના આઉટલેટ બંધ કરવાની કોઇએ હિંમત દાખવી ના હતી. જ્યાં ફરી ગંદકી ઠલવાવા માંડી છે. હવે નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે આ કુપ્રવૃત્તી તાકિદે બંધ કરાવવા આદેશ કર્યો ત્યારે ફરી તંત્ર દોડતું થયું છે.
કેટલેક ઠેકાણે તો ખુલ્લેઆમ ફુવારાની જેમ ગંદુ પાણી છોડવામાં આવે છે. વરસાદ સમયે તો આ ફેકટરીઓ રોડ પર જ કાળા અને લાલ રંગના પાણીને છોડી દેતા હોય છે. છેલ્લા 15 વર્ષ કરતાં વધુ વર્ષો જુનો આ પ્રશ્ન છે, પણ મ્યુનિ., પોલીસ કે જીપીસીબી કોઈ તેનો કાયમી ઉકેલ લાવવા નક્કર પ્લાનીંગ કરી રહેલ નથી.
જરૂર પડે કે ભીંસ પડે ત્યાં આ ફેકટરીઓના માલિકો તગડો હપ્તો આપી દેતા હોય છે. પૂર્વના મ્યુનિ.ના સુચરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ આવો એસિડિક કચરો આવે ત્યારે તેને ટ્રીટ કર્યા વગર જ બાયપાસ કરી દેવાતો હોય છે, કેમ કે તેની મશીનરી સડી જતી હોય છે. આ બાબત બધાં જ જાણતા હોવા છતાં બધાં જ મૌન છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34VDq4e
via IFTTT
إرسال تعليق