
અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
કોરોનાની કામગીરી ન કરી જે તબીબી અધિકારીઓ રાજીનામુ આપી ચાલ્યા ગયા છે તેવા અધિકારીઓ સામે કડક પગલા લેવા અને તાકીદે તેનો રિપોર્ટ મોકલી આપવા તમામ કલેકટરોને સરકારે આદેશ કર્યો છે.ઉપરાંત કલેકટરોને 31 ડિસેમ્બર સુધી કોઈ પણ અધિકારીનું રાજીનામુ મંજૂર ન રકવા પણ આદેશ કર્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય કમિશનરે તમામ જિલ્લા કલેકટરોને પરિપત્ર જણાવ્યુ છે કે ગુજરાત એપેડેમિક એક્ટ અન્વયે માર્ચ 2020માં પ્રસિદ્ધ કરાયેલી જોગવાઈઓ મુજબ જિલ્લા વહિવટી તંત્રને (જિલ્લા કલેકટર)ને જરૂરી સ્ટાફ અને મહેકમ બાબતે નિર્ણય લેવાની સત્તા અપાઈ છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમા ફરજ બજાવતા તબીબો જુદા જુદા બહાના હેઠળ રાજીનામુ મંજુર કરવા રજૂઆઓ કરતા હોવાથી તેમના રાજીનામા મંજૂર કરવામા આવે તો જાહેર આરોગ્ય સેવાઓ પર તબીબોની અછતના લીધે ગંભીર અસર થાય તેમ છે.
આ માટે સરકારે એપેડેમિક એક્ટ હેઠળ ફરજીયાત સોંપાયેલી કામગીરી કરવા ગાઈડલાઈન પણ જાહેર કરી છે.તેમ છતાં પણ ઘણા તબીબી અધિકારીઓ રાજીનામુ આપી ચાલ્યા ગયેલ છે અને તેવા તબીબો સામે પગલા લઈ કાર્યવાહી કરવા જિલ્લા વહિવટી તંત્રને અગાઉ જુમાં જણાવવામા આવ્યુ હતુ અને લીધેલ પગલા-કરેલ કાર્યવાહીની વિગતો પણ જમા કરવા આદેશ કરાયો હતો.
પરંતુ તેમ છતાં આરોગ્ય વિભાગને વિગતો હજુ સુધી આપવામા આવી નથી .જેને લઈને તમામ જિલ્લા કલેકટરોને ફરીવાર પરિપત્ર કરી આદેશ કરવામા આવ્યો છે કે જે કોઈ તબીબી અધિકારી 13 માર્ચ 2020ના જાહેરનામા બાદ રાજીનામુ આપી જતા રહેલ હોય તેવા તબીબો સામે કરેલ કાર્યવાહીનો રિપોર્ટ તાકીદે મોકલી આપવામા આવે.
આ ઉપરાંત હવે પછી કોઈ તબીબી અધિકારીનું 31 ડિસેમ્બર સુધી રાજીનામુ મંજૂર કરવુ નહી અને તેમ છતાં પણ જો કોઈ તબીબી અધિકારી એક તરફી ફરજ છોડી ચાલ્યા જાય તો તેમની સામે સરકારના જાહેરાનામાની જોગવાઈ અન્વયે કાર્યવાહી કરવામા આવે.જેની વિગતો પણ સરકારની કચેરીને મોકલી આપવામા આવે.
તબીબો-પ્રોફેસરોને દિવાળી વેકેશનને લઈને પણ વિવાદ
ગુજરાત યુનિ.દ્વારા તેની સંલગ્ન તમામ મેડિકલ કોલેજો-સંસ્થાઓ માટે મેડિકલ દિવાળી વેકેશન જાહેર કરી દેવાયુ છે અને જે મુજબ પ્રથમ તબક્કામાં 6 નવે.થી 22 નવે. અને બીજા તબક્કામાં 24 નવે.થી 10 ડિસે.સુધીનું વેકેશન જાહેર કરાયુ છે.
યુનિ.ના પરિપત્ર અન્વયે સંલગ્ન કેટલીક ઈન્સ્ટિટયુટ દ્વારા પોતાના વિભાગીય વડાઓ-તબીબો-શૈક્ષણિક સ્ટાફ માટે વેકેશન આપી પણ દેવાયુ છે.જ્યારે બીજી બાજુ એકેડમિક ઈન્સ્ટિ. બી.જે.મેડિકલ કોલેજોએ મેડિકલ ટીચિંગ સ્ટાફ માટે કોરોનાને લઈને વેકેશન જાહેર કર્યુ નથી.
બીજી બાજુ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે છેલ્લા 8 મહિનાથી તમામ તબીબો-ટીચિંગ સ્ટાફ રજા વગર ખડે પગે કામગીરી કરી રહ્યા છે ત્યારે હવે દિવાળીની રજાઓ આપવામા આવે.આમ હવે મેડિકલ ટીચિંગ સ્ટાફ માટે દિવાળીના વેકેશનને લઈને વિવાદ થયો છે અને મળતી માહિતી મુજબ સરકાર કોમન સર્ક્યુલર કરી રજાઓ રદ કરે તેવી શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GrM8xI
via IFTTT
إرسال تعليق